પૃષ્ઠ:Pankhadio.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હતા. સ્મશાન નજીક આવ્યું. શબ્દો ત્‍હેને સ્પષ્ટ સંભળાવા લાગ્યા.

'મા! મ્હને બાળક આપો. સરિતામા! મ્હારી બહેનનું બાળક, મ્હારી માતાનો કુમાર, મ્હારો કુળકુમાર, સરિતામા! મ્હને પાછું આપો. આજની સ્‍હવારે જ ત્‍હમે લીધું છે એ પાછું આપો.'

વ્રતબાળાએ ગતિ વધારી. દેહપુષ્પની પ્રફુલ્લ પાંખડીઓ સમી વસ્ત્રપાંખડીઓ પ્રસારતી વ્રતબાળાની ગતિ મનોભાવ સમી ધસતી.

'મા ! પાછું આપો. સરિતામા ! કેમ બોલતાં નથી? લોક કહેતા કે એ મારો કુલકુમાર ન હતો. મ્હારી બ્‍હેનનું એ મ્હારૂં નહિ? લોક મ્હને ઘેલો કહે છે. લોક ઘેલાં નથી? મ્હારી ભગિનીમાતનું એ મ્હારૂં નહિ? ભગિનીસ્નેહ-માતૃસ્નેહની ડાંખળી બીજે ક્ય્હાં છે? એક વ્રતબાળામાં. સરિતામા ! એ વ્રતબાળા આવે ત્ય્હારે પ્રણામ કહેજો. સ્મશાનમાં યે એનાં ચરણો શીતળતા પાથરે છે.'

તે યુવતી દોડતી હતી. સ્‍હામો કાંઠો હવે દેખાયો. કાંઠાના વેળુપટ દેખાયા. નદીનાં કાળાં ભમ્મર નીર પણ અન્ધકારમાં ઉછળતાં દૃષ્ટિમાં આવી ઉભાં.

'મા ! મ્હને એ આપોઃ મ્હાતી સ્નેહભીની માતા, મારી વીરનયની ભગિની, મ્હારો કુસુમકાન્ત કુમાર. મા ! મા ! સરિતામા ! ન આપો તો મ્હને લ્યો, ને ત્ય્હાં લઈ જાવ

૧૫૦