પૃષ્ઠ:Pankhadio.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એ સાધ્વી કેમ થંભી? તે શું જોતી હતી ! તે જોતી ન હતી પણ સાંભળતી હતી. દિશાઓને છેડેથી આવતું કંઇક મન્દ મન્દ હાસ્ય તે સાંભળતી હતી.

તે કોણ હતી?

તે વ્રતવિહારિણી હતી. ત્‍હેનો વ્રતપરાયણ પ્રાણ ત્‍હેના શરીર શબથી આગળ ઉડતો, ને દૂર-દૂરનું કંઈક અસ્ફુટ ને મન્દ મન્દ હાસ્યઘોષણા જેવું એ અનુભવતો.

'હાય હાય! અત્ય્હારે પણ સ્મશાનમાં! અન્ધકારને યે ગણકારતા નથી. અન્ધકારને શું પ્રબુદ્ધને જ ભયપ્રદ છે?'

તે સુન્દરીએ દોટ મૂકી. ઢળી જતા હૃદયને કરસંપુટમાં ઝીલી રાખી સંજીવનવેલની શોધમાં જતી જેવી તે યુવતિએ હરિણગતિથી ન્હાની ન્હાની છલંગો ભરવા માંડી. દુઃખભાર શો ત્‍હેનો વિસ્તૃત ભગવો સાળુ પવનમાં લહેરિયાં ખાતો પછવાડે ઉડતો આવતો.

આકાશમાં રાત્રી અંધારી હતી, ને રાત્રી આડો યે મેઘનો અભેદ્ય પડદો હતો. મેઘ નીચે ભૂતગણ સમા ત્રાડતા સમીરણો વહતા. સરિતામાં પૂર ચ્‍હડેલું હતું. સૃષ્ટિનાં મહાતત્ત્વોની ભયંકરતાથી પૃથ્વી ભયંકર બની હતી.

સાધુ કુંજની સાધ્વી હરિણી શી દોડતી હતી. આશા ને નિરાશા વચ્ચે તે ઝોલાં ખાતી. જીવન માત્ર હૃદયમાં સંગ્રહી ભયભીત ગાય જેવી તે છલંગો ભરતી.

સ્‍હામે કાંઠે ચીતાઓ ભભૂકતી ને અગ્નિ ઉછળતા

૧૪૯