પૃષ્ઠ:Pankhadio.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તે દિવસની રજની નરી અન્ધકારથી ભરલી હતી. અમાસના ઓળા દુનિયામાં પથરાતા. આભમાં તારલા પણ ન હતા. કાજળકાળો મેઘ દિશામંડળને ઘેરી પડ્યો હતો. એકે દિશા ઉજળી ન હતી.

તિમિરવેલ શી તરુમાળા નદીમાં નિરખતી તીરે ઉભી હતી. નદીનાં પૂર વહ્યે જતાં હતાં.

'એમની શી દશા હશે? સાધ્વીમાએ મ્હને દવા પાઇ. આ અન્ધકારને યે હું વીંધતી વહું છું. એમનું શું થયું હશે? લોક કહેતાં માનસવ્યાધિનાં ચિહ્‍નો છે. સાધ્વીમા! ત્‍હમારૂં કલ્યાણ થાવ કે મ્હને ચેતાવી. આત્માના ઉન્માદની દવા આ એમને પાઇશ.'

ચોળી ઉઘાડીને હૈયામાંથી ઔષધી કહાડી અન્ધકારના તેજમાં તે નિહાળી રહી.

પ્રચંડ સમીરણો ગર્જતા. સરિતાનાં પૂર નીચે ઘરઘરતાં ઉપર મેઘની પતરીઓ થરથરતી.

આભ પૃથ્વી ને અન્તરિક્ષ - ત્રિલોક ત્ય્હારે થરથરતો હતો.

'સાધ્વીમા! ત્‍હમારૂં મંગળ થાવ. 'વ્રતપાલનને ભયસીમા નથી, કાલસીમા નથી, લોકસીમા નથી, દિશાસીમા નથી.' શો ત્‍હમારો મહાનુભાવ આદેશ! જઈને ત્‍હેમને આ દવા પાઇશ. સાધ્વીમા! અન્ધકારમાં યે સહુ દેખું છું. ત્‍હમારૂં સ્નેહકાન્ત હૃદય, પેલું જગતની સીમા ઉપરનું અધોર સ્મશાન - '

૧૪૮