પૃષ્ઠ:Pankhadio.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઝાડી હતી. મંહી દહેરી હતી ને ઉપર ભગવો ધજાગરો ફરફરતો. સાગરને તીરેથી શોધીને સંઘરવા એ દહેરીમાંથી તે આવ્યો હતો.

ત્‍હેણે સારસીને જોઈ. એ યુવતિને તે નિત્ય જોતો, પણ આજ યુવતિને જોઈને તે ચમક્યો. એના સંન્યાસની સ્વસ્થતા જાણે ડોલી ગઈ. પાંખો જેવો એ સારસીનો પાલવડો ઉડતો, પણ મુખડે વિષાદછાયા ઢળેલી હતી. મુખની કરમાશમાં એણે મૃત્યુ વાંચ્યાં.

નિત્યનિત્યે સારસીને તે જોતો પણ બોલતો નહિ. આજ એના બોલ ઉછળી પડ્યા. ત્‍હેણે પૂછ્યુંઃ કંઈ એકલાં જ આજે?

એણે કહ્યુંઃ 'જગતમા એકલું કોણ છે? સંસારમાં એકલા સંન્યાસી યે નથી. હું એકલી નથી. હું ને મ્હારા બાપૂ અહીં રહીએ છીએ. બાપૂ ઉપર માંદા છે. મ્હારી રઢિયાળી સહિયરો યે છે.'

'તમારી રઢિયાળી સહિયરો? ને આ વગડામાં?'

'આ શિલા મ્હારી સહિયર છે; આ સાગરલહરી મ્હારી ગોઠણ છે.' - યુવતિના એ શબ્દો સાંભળી સંન્યાસીના યે સંન્યાસગર્વ ઉતરી ગયા.

'આ શિલા મ્હારી સહિયર છે. પેલી હોડી મ્હારી સખી છે. આઘે-પાસેની સાગરલહરીઓ મ્હારી સાહેલીઓ છે. મ્હારી સન્મુખ જળલહરીઓ નાચે છે એવી તો ભલભલી નાચનારીઓ યે નહિ નાચતી હોય. હું અહીં એકલી નથી. પૂજ્ય-વન્દનીય જેવા દીસો છો. બાપૂને તાવ છે,

૧૫૬