પૃષ્ઠ:Pankhadio.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નિર્જનતામાં જોગીએ જોગનાં સદાવ્રત માડ્યાં હતાં.

ખાખીના જોગી થયા. જોગીના જોગીરાજ કહેવાયા. જોગીઓની જમાત જામી એટલે મહન્ત નામ પડ્યું, ને પછી ઠાકોરની ઠકરાત જેવો વૈભવ મ્હોરતાં જોગી મહન્ત સાહેબની કીર્તિને પામ્યા. ઠાકોરજીનાં ચોઘડિયાં યે બેઠાં.

જોગને યે લોક બિરદ દઇ બિરદાવે છે ને.

એમ તો વર્ષો વીતી ગયાં, ને દેહી ફરતો દેહ બન્ધાય છે એમ જોગી ફરતી માયાની મહેલાતો ચણાઇ.

એમ વર્ષો વીતી ગયાં: પોપચાંના પલકારાની પેઠે એમ વર્ષો વીતી ગયાં.

ને એ વગડાની વિજનતામાંથી જોગીના જોગ એ જીલ્લો ભરી ફોરી રહ્યા. કમળભર્યા સરોવરને તીર જાણે રાજચંપો મ્હોર્યો.

પરજીલ્લામાંથી લોક વન્દવા આવતું, પણ થોડું થોડું.

પણ એ માયાના મહેલના જોગીને ભાર ન હતા.

એકદા ત્ય્હાં પ્રભાતનાં ચોઘડિયાંનો ડંકો વાગ્યો.

આજનો ડંકો અનોખો હતો; આજ જોગીનો જીવન મહોત્સવ હતો.

ગગનને ગજાવતો, જગતને જગાડતો ચોઘડિયાંનો ઘોર વરસાદની ધારાઓ જેવો વરસતો. જગત સાનન્દ એ ઝીલતું.

૧૭૧