પૃષ્ઠ:Pankhadio.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

'રાખ, રાખ હવે. ટાઢો પહોર છે : ને રાતના આઠ વાગ્યા છે. ત્‍હારા સંસ્કૃત સાહિત્યમાં બધું હતું : રેલ્વે યે હતી ને તારે હતા ! પ્યાલામાંથી પાણી ઢોળે ને ટીપુ યે ન રહે, એમ બુદ્ધિ ઢોળી નાંખી કોઈ કહેશે.'

'કહેનારની બુદ્ધિ ઢોળાઈ ગઈ હશે તો મ્હને એવું કહેશે. હા, અમારે ત્ય્હાં વિમાને હતાં ને Vireless હતા. ત્રીશેક વર્ષો ઉપર અમારા પુષ્પક વિમાનને કવિની કલ્પના કહી હસતા'તા. આજે હસોને હવે ! હસનારાંનાં ઉપહાસ થયાં. હા-હા ; અમારા સાહિત્યમાં હતું એ આજના યૂરોપઅમેરિકાનાં સાહિત્યોમાં હજી તો નથી.'

'શું શું યૂરોપઅમેરિકાનાં સાહિત્યોમાં નથી ?'

'વઘારનું ઇંગ્રેજી શું ? કહે. ઇંગ્રેજી સાહિત્યમાં વઘાર જ નથી-વઘાર.'

'આપણે તો માનસશાસ્ત્ર-Psychology અને વિજ્ઞાનશાસ્ત્ર-Science ની વાતો ચાલે છે. યૂરોપમાં યે માનસશાસ્ત્રનો હજી બાલ્યકાળ છે. આપણે ત્ય્હાં માનસશાસ્ત્ર હતું ?'

'અધ્યાત્મના સાગરની પાળે પશ્ચિમ હજી પગ પ્‍હલાળે છે. જેમ્સ હજી માનસશાસ્ત્રને શરીરશાસ્ત્ર-Phisiology માંથી જન્માવે છે. માનસશાસ્ત્રનો એડિસન ત્ય્હાં જન્મતાં હજી બે સૈકા જોઈશે. યૂરોપઅમેરિકામાં લખાયેલાં ઉપનિષદો કિયાં ?'

૨૭