પૃષ્ઠ:Pankhadio.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

'ઉપનિષદ નામ સાંભળ્યું છે કે છાપેલું પુસ્તક દીઠું છે ? '

'તો કહેને : યૂરોપરચિત બાઈબલ કે કોરાન કે ધમ્મપદ કે ભગવદ્‌ગીતા કઈ ? યૂરોપ‌અમેરિકાને ખોળે ધર્મસંસ્થાપક કિયો જન્મ્યો ? યૂરોપ‌અમેરિકાને એશિયા જેટલી પવિત્ર ભૂમિ કિયા પયઘમ્બરે માની ? '

'એ તો ખરૂં. યૂરોપમાં પયઘમ્બર જન્મ્યો નથી, કે ધર્મશાસ્ત્ર કો રચાયું નથી. '

'એટલું યે સાચું બોલવાને માટે ત્હને શાહબાશ છે. જો, વળી હસતો નહિ હો ! એક સાક્ષર શ્રી કહેતા'તા કે ઇંગ્રેજીમાં Home શબ્દ છે એવો ગુજરાતીમાં શબ્દ નથી; કારણ કે આપણે ત્ય્હાં એ ભાવના નહોતી. હસે નહિ તો એમનું ન્યાયબાણ એમને પાછું વાળું. ઇંગ્રેજી ભાષામાં પાપને માટે સુવાંગ શબ્દ છે Sin. એવો પુણ્યને માટે સુવાંગ શબ્દ કિયો ? એ સાક્ષરશ્રી એમ કહેશે ખરા કે ઇંગ્રેજ પ્રજામાં પાપની ભાવના છે, પુણ્યની ભાવના જ નથી ? ને પોતાની સાક્ષરતાને હસાવશે ? '

અમે બન્દરકાંઠે આવી પહોંચ્યા, અમે બન્ને યે ધર્મ તો ધર્મશાસ્ત્રોની સાથે કબાટમાં મૂક્યો હતો. પણ એમનું કુટુંબ ધર્મશીલ હતું ને દ્વારકા યાત્રાએ જતું હતું. અમે વળાવવા આવ્યા હતા. યાત્રાળુઓને વળાવવા આવવા જેટલો ધર્મ હજી અમારામાં રહ્યો હતો.

પણ એ એમના કુટુંબને વળાવવા આવ્યા હતા ? કે યાત્રાળુઓને ? એ પણ માનસશાસ્ત્રનો ? ત્ય્હારે પ્રશ્ન હતો.

૨૮