લખાણ પર જાઓ

પૃષ્ઠ:Pankhadio.pdf/૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



⁠ચોપાટીને આરે કે ચોરવાડને સાગરકાંઠે બેસીને પ્રહરો પર્યન્ત જલલહરીઓ ગણવી અને એમના અર્થસન્દેશ ઝીલવા ત્હને ગમતા.

⁠એ લહરીઓમાં સાગરના શબ્દ નું સાંભળતો.

⁠વાલકેશ્વરના પહાડનો પડદો એક વાર તો ત્હને ડોલતો દેખાયો કે જાણે હમણાં ઉપડશે ને પાછળનાં દર્શન કરાવશે.

⁠ગુજરાતને ત્હારે તેજસ્વી ગુણગરવું સૌન્દર્યશણગાર્યું જોવું હતું. સંસારમાં તું સ્વર્ગ રચતો. લોક ત્હને સ્વર્ગનો ઇજારદાર કહી હસતા.

⁠ત્હારા જેવા મ્હને પણ મનેારથો છે.

⁠પહાડના પડદા ઉપાડી પાછળ દર્શન કરવાના ત્હારે હતા ને મ્હારે યે કોડ છે. વિશ્વભેદોની વાડીઓમાં રમવાના અક્ષરવિહારી કોકને જ અભિલાષ ન હોય. ગુજરાતનો ગુણસોહાગ એ તો ગુજરાતીઓનો ત્રિકાળનો દેશધર્મ છે.

⁠ત્હારા જેવા મ્હને પણ મનોરથ છે ને તે તું જાણતો. ત્હારા અધૂરા રહ્યા: મ્હારા પૂરાશે ? કે જગતના કેટલાક ભેદોની ચાવીઓ જગત્‌કર્તાએ પોતા કને જ રાખી છે?

⁠અગમ્યના ખોજનાર, અનન્તના આ યાત્રાળુ ! સુન્દરના સપૂત અમૃત ! નવયુગના ઓ પ્રતિહાર ! તુજથી અજાણ્યું ક્ય્હાં છે કે સૂર્યકિરણો કેટકેટલે આઘેથી ઉતરી પૃથ્વી ઉપર વરસે છે ? ત્ય્હાંથી વરસજે ત્હારાં કિરણો; અને આ અણુકિરણોમાં અન્ધારાં હોય ત્ય્હાં ત્હારાં તેજિકરણોના પ્રકાશ પૂરજે.

⁠તું ઉદ્દારધર્મીલો હતો. આ પાંખડીઓને યે સ્વીકારજે ને ઉદ્દારજે.

⁠લોક ત્હને ભૂલતું જાય છે; ત્હને ભૂલે છે એ અમૃતને ભૂલે છે. અમારાથી તો ત્હને ભૂલ્યો યે ભૂલાય એવું ક્ય્હાં કાંઈ ઉણું રાખીને તું ગયો છે ?

માથેરાન:
વૈશાખી અમાવાસ્યા, વિ. સં. ૧૯૮૬
 
-