પૃષ્ઠ:Pankhadio.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

છેલ્લું ભાષણ છટાદાર હતું, રાજમન્ત્રણાના કો કાગળ સમુ અગમ્ય હતું, પૂરૂં સ્‍હમજાયું ન્હોતું, મિત્રને મ્હેં પૂછ્યું :

‘હેં ! ત્યહારે શું ન પરણેલો-કુંવારો એટલે બ્રહ્મચારી નહિ ?’

મિત્રે સ્‍હામો પ્રશ્ન પૂછ્યો : ત્‍હને ખબર છે કે દીકરા એ બધા પુત્રો નથી ?

નવું જ્ઞાન ઉગતું હોય, નવો ઉગતો ધૂમકેતુ નિરખતો હોય એમ હું મિત્રની સ્‍હામું જોઈ રહ્યો હતો. મ્હારી આખી યે મુદ્રા પ્રશ્ન પૂછતી હતી.

મિત્રે કહ્યું : ‘જો સાંભળ. મ્હને તો મુંબઈના એક શેઠિયાએ ભણાવ્યું છે કે ‘દીકરા એટલા પુત્ર નહિ’ એ તો શાસ્ત્રીય સૂત્ર છે. પુ નામના નરકમાંથી શ્રાદ્ધ કરીને પિતાને તારે એ પુત્ર. અને શ્રાદ્ધનો અધિકાર છે જેષ્ટને કે કનિષ્ટને. એટલે કોઈને ચાર દીકરા હોય તો પહેલો ને ચોથો એ પુત્રો, ને બીજો ને ત્રીજો એ દીકરા. ખોટું હોય તો કોક શાસ્ત્રીને પૂછી જોજે.’

‘આ તો વ્યાખ્યાઓના વમળમાં પડ્યા. ડૂબશું કે તરશું ?’

મિત્રે કહ્યું : ‘દુનિયા તરવાનો મ્હોટો સાગર છે. તારાઓ તરે છે ને વણતારાઓ ડૂબે છે. પણ એટલું આજ ભણતો જા કે દીકરા એટલા પુત્રો નહિ, ને કુંવારા એટલા બ્રહ્મચારીઓ નહિ.’

૫૬