પૃષ્ઠ:Pankhadio.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

યૌવનના આંગણમાં ઉભેલી એ યુવતિ રસકુંજની કીમિયાગરણ ને પ્રમદવનની પ્રમદા સમી હલેતાવેડાને હીંચકે હિંડોળા ખાતી હિંડતી. મતવાલી ગાયના જેવું અજબ તે માથું ઉછાળતી.

પુરુષોનાં પુરુષાતનને જીતનાર પ્રકૃત્તિના પ્રફુલ્લેલા પુષ્પ સરિખડી એની આંખડીઓ ફરફરતી.

એનું નામ વિજ્યા હતું.

પણ એ જગત્‌‍વિજ્યા યે એકદા હારી બેઠી, ને પાંડવોની પેઠે નિજનું સર્વસ્વ હારી બેઠી. એક પાસામાં કોઈ સર્વસ્વ હારી જાય એમ પ્રારબ્ધપાસા સમા એક મટકામાં એ સકળ હારી બેઠી.

અને એ આમ બન્યું.

ગામને પાદર કૂઈ હતી, ને ગામની ગોરીઓ ગામલોકને એ કૂઈનાં પાણી પાતી. લોક એને મીઠી કૂઈ કહેતાં.

ગામ ફરતો ઉજ્જડ વગડો ઢોળાતો. હુનાળામાં ત્ય્હાં ધોમ ધખધખતા, શિયાળામાં ત્ય્હાં શીતળ વાયુ સુસવાતા. વર્ષા આછી વર્ષે ત્‍હો યે ત્‍ય્હાં બારે માસ ધરતી રસાદ્ર રહેતી.

ત્રણે ય ઋતુઓ ત્ય્હાં જોમ લખવતી એ ગામલોકને ગમતું.

મીઠી કૂઈ કને થઇને વગડાનો મારગ વહેતો. પાણીના વ્હેળા જેવો એ વગડાનો મારગ વહેતો. ગગનમાંથી પડતી ગંગા સમો મારગ ઉત્તરની ધાર ઉપરથી ઉતરતો ને દક્ષિણની

૬૦