પૃષ્ઠ:Pankhadio.pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કસોટી કહાડી જોવાની ઇચ્છાથી બે‌એક વાર્તાઓની બીજાના હસ્તાક્ષરે નકલો કરાવીને નવાં જ ઉપનામોથી માસિકને મોકલાવી. એ વાર્તાઓ આ સંગ્રહમાં છપાઈ છે, પણ એ માસિકોમાં છપાય ત્ય્હારે ખરી. આમાંની એક બીજી વાર્તા મ્હારા નામથી એક માસિકમાં મોકલી. તે તરત છપાઈ; ડો. ટાગોરના શાન્તિનિકેતનમાંના એક ગુજરાતી વિદ્યાર્થીએ આન્ધ્ર દેશની ભાષામાં એનું ભાષાન્તર કીધું; ને એક ઉગતા આન્ધ્ર લેખકે મ્હારા બીજા ગ્રન્થોના ભાષાન્તરની પછી પરવાનગી પણ માગી ! સુરૈયાના નામથી નહિ, કસ્તુરીનાં ગુણગૌરવથી કસ્તૂરીનાં મૂલ મૂલવવાનું હજી યે આપણા સાહિત્યરસિકોને કહેવાનું રહે છે ?

સંસારશાસ્ત્રના પ્રશ્નો ગહન ને વિકટ છે. એક સન્નારીએ આમાંની બે‌એક વાર્તા વાંચી હતી, મંહી આપણા સંસારપ્રશ્નોના ઉકેલ દીઠા હતા. હા; કોઈકમાં ઉકેલ હશે, કોઈકમાં વણઉત્તર પ્રશ્ન જ પાથર્યો હશે, કોઈકમાં સંસારપ્રશ્નનું માત્ર સૂચન જ હશે. ન્યાયશાસ્ત્રનાં સમીકરણોની આમાં કોઈ આશા રાખશે તો તે નિરાશ થશે. નવલકથાનાં આ પ્રકરણો નથી, કે આ નવલિકાઓ યે નથી. આ તો નવલનાં Lyrics છે.

વાંચનાર ! મુંબ‌ઇમાં ચોપાટીના દરિયાકાંઠે ગયાં હશો: તો તે સંભારી જોશો ? સાગર તો ત્ય્હાંથી આઘે છે; પણ જરી જરી જેવડી જલલહરીઓ આવે છે ને પૃથ્વીપાળને પ્હલાળી જાય છે. છબછબિયાં પાણીની એ ઝીણકી જલલહરીઓમાં પાય ભીંજવ્યા હશે. છલબલતી આ લગરીક શી લહરીઓમાં યે આવો ને પાય ભીંજવો. કોઈક તપ્યાંને જરીકે ટાઢક વળશે, કોઈકનાં સહેજે ચરણ ધોવાશે, ત્હો યે કૃતાર્થ થયો માનીશ.

વૈશાખી પૂર્ણિમા,
વિ. સં. ૧૯૮૬
માથેરાન



ન્હાનાલાલ દલપતરામ કવિ