પૃષ્ઠ:Pankhadio.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પહેલાં તો જળ શું એણે રમત માંડી. પછી જળમાં કંઈક શોધતો હોય એવી જળમાં એણે અંગુલીઓ પરોવી. અને પછી-અને પછી અન્તે એણે એ મૃત્યુશામળી સરિતાનાં જળનાં તેજ પીધાં. ક્ષણેક જળપટ ભાગ્યું ને ખળભળ્યું; ઉપર નમતા ઘાસનાં ફૂલડામાં જલલહરીઓ આવી ને શમી ગઈ.

એ આખી રાત્રી નદી ઉપર ચન્દ્રનાં કિરણો રમતાં, તેજફૂવારો સહસ્ત્રધારાઓ ફેંકતો અજવાળાં ઉડાવતો. વીણા પણ દુનિયા પારના કલબોલ બોલતી.

આ બધું ઊંડા ઉંડા વનમાં થતું. જ્ય્હાં ધણને પાણી પાય છે ને દ્‌દૂવે છે એ નદીકાંઠે આ સહુ બનતું. જૂનાં થડિયાંનું વન એ જાણતું નહિ. ઝાંખું ઝાંખું તારલા તે જોતા, સ્હમજતા, ને નયન મટમટાવતા.

મધરાતે ઘોર વાયુ વાયો ને જગત ફરિયાદ કરતું હોય એવી ઘોર ગર્જના કરી ગયો. મંહી દુનિયાના બોલ હતા, આત્માને એ અથડાતા ને પૂછતા કે

સતી પાછળ એ સતો થયો તો પરમેશ્વરે મૂંઝાશેને કે બે પ્રીતમની એક પ્રિયાને સ્વર્ગમાં યે શી રીતે વ્હેંચી આપવી ?

૭૭