પૃષ્ઠ:Pankhadio.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પ્રિયનું પરમ શ્રેય સંતત એ મ્હારૂં ધ્યેય;
મ્હારે એ જ મોક્ષમન્ત્ર પ્રિયનો પ્રિયનો,
એ નિત્યપ્રભાવતીનો.

હૃદય-હૃદયગાને, વીણા-વીણાના પ્રદાને
જીવવું જીવન મ્હારે પ્રિયનું પ્રિયનું,
એ રમ્ય પ્રભાવતીનું.

પ્રભુ-પ્રભુની કલાઓ, પ્રેમભક્તિનાં વિધાનો,
મ્હારે સહુ એ મૂર્તિઓ પ્રિયની પ્રિયની,
એ પુણ્યપ્રભાવતીની.

સમર્પુ વિશુદ્ધ કરી સદા રસથાળે ભરી
સકળ અન્તર્‌ભાવ પ્રિયને પ્રિયને,
એ પૂજ્ય પ્રભાવતીને.

વૃક્ષમાળા વટાવી એ ચાલ્યો. મૃત્યુશાળી સરિતાના તટ‌ઉઘાડમાં એ આવ્યો. ઉપરથી ચન્દ્રનાં કિરણો એને અભિષેક કરતાં.

સ્વર્ગનાં અદ્‌ભૂત સંગીતથી વીણા ધીમી ધીમી વાગતી.

જળ ઉપર ઝૂલતાં ફૂલડાં એ ગોપે ખસેડ્યાં, ને જલતીરે જઇ બેઠો. પાછું વાળી ત્હેણે વીણા ભણી જોયું. વીણા વધારે ધીમું ધીમું ગાતી ને ગોપના આત્મતન્તુઓમાં એના અનુકમ્પ જાગ્યા. ધીમેશથી એના કાને ય ન સાંભળ્યું એવું ધીમેશથી એ ગણગણ્યો : ' મ્હારૂં હૃદય. '

૭૬