પૃષ્ઠ:Pankhadio.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એ સહુ એક ઉંડા ઉંડા વનમાં થતું, પણ એ કાંઇ જાણતું નહિ.

આત્માની ફરફર સમું આસપસ ચમકતું વીણાગાનનું માધુર્ય, ઉપર ચન્દનીનાં ફોરાં, સન્મુખ નાચતો સહસ્ત્રધારાનો તેજફૂવારો, સહુ માથે તગતગતો કોટિચક્ષુવન્તો ગગનચન્દરવો : ત્હેમનો પ્રભાવ ગોપપ્રાણમાં વાયુ સમો સંચરતો. માનવી શ્વાસોચ્છ્‌વાસ લે છે પણ જાણતો નથી : એમ એ ગોપ પણ એ કાંઈ જાણતો નહિ.

એના અન્તરમાં સ્મરણો ઉછળતાં, આંખમાં ભૂતકાળ રમતો, મુખડે આયુષ્ય ઉચ્ચરતાં.

મ્હેં પ્રેમ કીધો પ્રાણ શું, ને પ્રાણ પોષ્યો પ્રેમથી;
રમું છું હજી પ્રિયતમનાં તેજે, ભલે પ્રિય અંહિ નથી.
મ્હેં શ્રેય વાંછ્યું પ્રેમીનું; ને શ્રેય જે પ્રિય વાંછતી,
તે શ્રેય-મુજ અન્તર ચીરી પણ-પામી ગઈ સ્વર્ગે સતી.
નિજ આત્મને સુખ હો-ન હો, પ્રિય‌આત્મને સુખ વાંછવાં
એ પ્રેમનો સિદ્ધાન્ત : પ્રિયને અર્પ સુખ પ્રભુ ! નવનવાં.
પ્રિય જે સુહાગી આત્મનો સહવાસ મનમાં ઝંખતી,
એ આત્મ સંગે ભોગવો સુખ ચિરસ્થાયી શીલવતી.
રમું છું હજી પ્રિયપ્રેમમાં, ને પ્રાણ પોષું છું પ્રેમથી;
પ્રતિપ્રેમ પ્રિયનો વાંછવો કંઈ પ્રેમમાર્ગે એ નથી.

અને તે ગોપ તેજફૂવારા ભણી ચાલતો હતો ત્ય્હારે ત્હેની પોતાની છાયા ત્હેનાં પગલામાં અથડાતી.

૭૫