પૃષ્ઠ:Pankhadio.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વૃક્ષોનાં પાંદડાંઓમાં અન્ધકાર હતો, પણ ક્ષિતિજની પાછળ રજતધવળ તેજકિરણો રમતાં.

ધીરે ધીરે રાત્રી ઉતરી ને ઘટ્ટ થઈ. ધીરે ધીરે ચન્દ્ર ઉગ્યો ને રાત્રીને આછી કીધી. પૃથ્વીના અન્ધકાર ને આભનાં રહસ્ય અજવાળતાં ચન્દ્રતેજ વચ્ચે મૃત્યુશામળી નદી તેજવર્ણી વિલસતી.

એવે આઘેની કોકિલાના આછેરા ટહુકાર સમો ધીરો-અતિ ધીરો કલરવ થયો. પણ કોકિલકુલ તો ત્ય્હારે નિદ્રાલીન હતું. એ તો વીણાનું મંજુલતમ સંગીત હતું. આત્મા એ સાંભળતા, પણ જડનાં થડિયાંનું વન એ વિશે કાંઈ જાણતું નહિ.

પુષ્પો ઉપર, પુષ્પોમાં મૂર્છિત ગોપ ઉપરમ્ ને મૂર્છિત ગોપના અખંડ જાગૃત આત્મામાં એ વીણાનો કલરવ ઝમતો હતો.

જગત શૂન્યમુખ ઉભું હતું.

કંઈક વારે ગોપની મૂર્છા વળી. મહાસાગરના તળિયેથી તેજમાં આવતા મનુષ્યની પેઠે ત્હેણે પોતાની ફરતું નવું તેજ રમતું દીઠું.

ઝાડ નીચે અન્ધકારમાં ચન્દ્રનાં કિરણચાંદલિયા તરતા હતા. નદીમાંથી નીકળી ચન્દ્રમાને અડતો એક તેજફૂવારો ઉડતો હતો. એ તેજફૂવારામાંથી ઉડતાં છાંટણાં જેવા ગગનમંડળે તારલિયા વેરાતા. ઉપર કાળી ઝાલરો ઝઝૂમતી.

૭૪