પૃષ્ઠ:Pankhadio.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નાટકગ્રહના જેવું કંઈક સભાગૃહ રચ્યું હતું. વચ્ચે રંગભૂમિ સમું તખત હતું, ફરતાં સભાજન હતાં.

બે ન્હાની બાળાઓએ નાન્દી ગાઈ. સભાઓમાં નાન્દી ગાવાનું ન્હાનકડી બાળાઓને કેમ સોંપાય છે ?

લોક કુતૂહલદૃષ્ટિએ જોઈ રહ્યું હતું.

પછી આવ્યો સંવાદ, સરસ્વતી ને લક્ષ્મીનો. પેલો સંસ્કૃત શ્લોક લક્ષ્મીજીએ છટાથી ગાયો કે ત્હારો ભક્ત મ્હારા પિતાને પી ગયો. ત્હારા આરાધકે મ્હારા પતિને છાતીમાં લાત મારી. વિ. સરસ્વતીએ પોતાની દલીલો સાત્ત્વિક્તાથી ઉચ્ચારી. નિર્ણય ન થયો; એટલે વિધાત્રી દેવી અદ્ધરથી ઉતર્યાં. રંગરંગનાં અજવાળાં એમનાં ઉપર વરસાવવામાં આવ્યાં : જાણે મેઘધ્નુષ્યની ડાળખીએ લટકી ઉતરતાં નહોય ! એમણે નિર્ધાર ઉચ્ચાર્યો કે શ્રમ છતાં સિદ્ધિ વિધિદેવને હાથ છે.

ને પછી આવ્યો ગરબો. એ સાંભળવાને ને જોવાને યુવકમંડળ આવ્યું હતું. હવે તો ગરબો સાંભળવાનો એટલો જ જોવાનો હોય છે.

સહુને જાણે જગાડવાને હોય એમ નરઘાં ઉપર થાપ પડી ને પછી રહી ગઈ. આજનો ગરબો જલતરંગ સાથે ઝીલવાનો હતો.

સભાગૃહ ચિત્રવત્‌ બની રહ્યું.

ઘૂઘરિયાળા રૂપાના રાસદાંડિયા લઈને ઝીલનારીઓ આવી. એમને પગ ઠમકે ધરતી ધ્રૂજતી.

૮૪