પૃષ્ઠ:Pankhadio.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આજ જાણે એમને નવી કિર્તી કમાવી હોય એમ લાગ્યું.

પ્રૌઢતાને પગલે એ પધાર્યા, પણ ગાંભીર્ય એમને શોભતું ન્હોતું. થનગનતો ઘોડો હાથીની ચાલે આજ ચાલતો હતો.

નિત્યના ઉજળા એ આજ કાળા ભાસતા. નિત્યના હાસ્યરેખાળા એમની આજ રૂદ્રમુદ્રા હતી.

એ અકસ્માત ન હતો, નિર્ણયની દૃઢતા હતી.

રસિકવર આજ ડાહ્યાડમરા દીસતા.

એ ઉઠ્યા. પ્રમુખના ટેબલ ઉપર જાને અક્ષર કોરેલા હોય ને એ વાંચી વાંચીને વ્યાખ્યાન ઉચ્ચરતા હોય એમ આંખ ટેબલ ઉપર જ ચોંટેલી હતી : જાણે આસપાસ નયનઅળખામણાં જ એકઠાં મળ્યાં ન હોય.

સ્ત્રીસ્વભાવ જ-કોણ જાણે શાથી ?-પણ એવો છે કે નફ્‍ફટને નભાવી લે, લાજાળને નભાવી લેતો નથી.

હું ને મ્હારી સહિયરો તો નિરાશ થયાં.

અમે તો ધાર્યું હતું કે વાદળિને વિમાને બેસાડીને કિયા કિયા આસ્માનમાં ઘુમાવશે. અમે માન્યું હતું કે કેવી કેવી દિશાઓની કુંજો ઉઘાડીને અન્દરનું બતાવશે. પણ એમણે તો આજ પાંખ ભીડી દીધી હતી, ને કૂંચીઓ ઘેર મૂકીને આવ્યા હતા.

પૃથ્વીથી પર એ ઉડતા જ નહિ.

એમણે તો આજ ડહાપણનાં દફતર ખોલ્યાં હતાં.

૯૧