પૃષ્ઠ:Pankhadio.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મન્દિરચોકમાં સીતારામની સતીઓ ગાતી, શવજીની જોગણો ભજન બોલતી, કૃષ્ણઘેલી મીરાંઓ એ ક્ય્હારેક ક્ય્હારેક નાચતી.

ભાવની ભક્તિમાં ભક્તજન નાવડાં જેવા ડોલતાં. દસે દિશાવાસી દેવો એ સુણતા, ઝીલતા, સત્કારતા.

નવરાત્રીના ઉત્સવની એ છેલ્લી રાત્રી હતી.

શરદની ચન્દનીએ મન્દિરચોકમાં સરોવર ભર્યાં હતાં, ને એ ચચન્દનીનાં છબછબિયાં પાણીમાં બાળાઓ પાય ધોતી. દેવનાં દૂધ ઢોળાયાં હોય એવી ચન્દની ઢોળાઈ હતી.

એક તો રસકડાઓની ઝાકમ ઝડીઓ, બીજો નૃત્યનો હિંડોલ, ત્રીજી કવિતાની રસછોળ, ચોથું ચન્દનીનું ચન્દનઘેન, પાંચમું રજનીની રંજનક્રીડા: એમ પંચામૃત પ્રાશી પ્રાશીને પ્રમદાઓ મદઘેલી થતી હતી.

એ એક મુગ્ધા હતી. આવતી વસન્તમાં એનાં લગ્ન થવાનાં હતાં. બાલિકાઓનો સંગ તજી યુવતિસંઘમાં હવે તે ફરતી થઈ હતી.

કળી ઉઘડીને ફૂલ થાય એ પૂર્વે પાંખડીઓ ઉઘડું ઉઘડું કરે એવી એની અંગની ને આત્માની ઋતુ હતી. સંસાર જોવાને એના ઉરની આંખડીઓ ઉઘડું ઉઘડું થતી, એના અંગની પાંખો ઉડુ ઉડુ થતી. ઉગતા યૌવનના ઉષ:કાળની એ ઋતુ હતી.

૯૭