પૃષ્ઠ:Pankhadio.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એની કળીની પાંખડીઓ ઉઘાડવાને સહિયરો એને અડપલાં કરતી. કોઈક એના કુંપળપાથર્યા સમા પાલવને ખેંચતું, કોઈક એના કમળ શા વદનદેશે જલકણ છાંટતું, કોઈક એના ભાગ્યદેશે બિન્દી કરતું. એના મૃણાલ શા હાથને સહુ પંપાળતું. એને અડકવું સહુ યુવતિસંઘ ને ગમતું: જાણે તે સૌન્દર્યનો પારસમણિ ન હોય, ને એને અડકવે જાણે સહુનાં અંગ સૌન્દર્યનાં ઘડાઈ જતાં ન હોય !

સમીપ આવતા સંસારને તે નિરખવા મથતી, નવસ્થિતિઓ ક્લ્પતી, આશાઓ બાંધતી. જાદુના કો મહેલનાં દ્વાર ઉઘડવાનાં હોય ને મંહીથી જાદુગરનાં દર્શન થવાનાં હોય એવા અદ્ભુત કો કોડ કલ્પી કલ્પી રસજાદુગરનાં ને રસજાદુગરના મહેલનાં તે સ્વપ્નાંઓ જોતી.

તે તિથિએ તો તારલાઓમાં ચન્દ્રમાની પેઠે સખીઓમાં તે રમતી.

પરસેવો વળ્યે સહિયરો એને પંખો નાંખ્યા શુ કરતી. એથી તો અંગારા સળગીને જ્વાળાઓ સરજાતી. આપવીતી ને પરવીતી ખરી-ખોટી કંઈ કંઈ અનુભવકથનીઓ કહી કહી જોબનઝૂલન્તી સહિયરો એને સતાવતી.

એ મુગ્ધા હતી. એને ઉચ્ચાર ન આવડતા. મુંગાને સ્વપ્નાં લાધે એવાં એને સંસારસ્વપ્નાં લાધતાં.

ત્હો એ ક્યારેક ઉડી એકાન્તની કુંજમાં એનું હૈયું છલકાતું, કોકિલા શી તે ટહુકારતી, તે સંસાર ભરી એ શબ્દ ઢોળાતો.

૯૮