પૃષ્ઠ:Pankhadio.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એની આંખમાં ચકલીઓ ઉડતી. પેલે આરે બેઠેલા ચક્રવાતને નિહાળતી આ આરાની ચક્રવાકી પ્રગટતું પ્રભાત ને સરિતાનો પટ નિહાળી રહે એવી આંખડલીએ ઉરમાં ને અંગમાંનું પ્રગટતું પ્રભાત ને ચાર માસનો વચમાંનો પટ તે નિહાળતી.

સહિયરો એને સાસરાની શેરીએ રમવા લઈ જતી. અને કંઈ કંઈ કહી, દર્શન કરાવી, પૂછી પૂછી મૂંઝવતી. મૌનની વાણીના અબોલ બોલ તે બોલતી ને આંખો નચાવીને ઉત્તર આપતી.

મુગ્ધાનું મૌન બોલકણીઓના બોલથી ચોગણું બોલતું.

એણે બ્રહ્મચારીને જોયા. બ્રહ્મચારીની સૂર્ય શી કાન્તિથી પદ્મ અને પદ્મિનીઓ ખીલતી. એ તેજનાં એને ક્ષણેક આકર્ષણ આવ્યાં.

મન્દીરમાં બ્રહ્મચારી પ્રદક્ષિણા ફરતા હતા. પૃથ્વી સ્હામી શુક્રતારા આવે એમ તે સ્હામી મળી. આંખડીનાં કિરણો મટમટાવ્યાં. બ્રહ્મચારીનાં નયનબાણ ધરતીને ખોતરતાં હતાં, મંહીના મણિઓ ખોજતાં હતાં.

મુગ્ધા અમૂંઝાઇ, ભોંઠી પડી. એને સ્હમજાયું નહિ કે એ અડોલ કેમ હતા.

પછી નવરાત્રીના ઉત્સવની એ છેલ્લી રાત્રી આવી, ને એણે છેલ્લો રાસ ઉપાડ્યો. ચન્દનીનાં ફોરાં ઝીલતાં ઝીલતાં ને અંગનાં આછેરાં અંચળ ઉછાળતાં ઉછાળતાં એણે રાસ ગયો ને એજ વિધે સહિયરસંઘે એ ઝીલ્યો.

૯૯