પૃષ્ઠ:Pankhadio.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આસોના આ તે ઉજાસ ?
કે જીંદગીનાં અજવાળિયાં રે ?

ફૂલમાં ચન્દની છલકાય એમ સહિયારોની આંખડીઓમાં ચન્દની છલકાતી. પોતપોતાની અગાસીમાંનાં અજવાળાં પેખે એમ સહુએ નિજનિજની જિંદગીનાં અજવાળાં દીઠાં.

ચન્દ્રમા યે જાણે સાંભળવાને ઘડીક થંભી ગયો ભાસ્યો. નગરલોકની ભરતી તો ચોમેર જનકોટ રચી-ઘેરો ઘાલીને ઉભી હતી. બ્રહ્મચારી યે ઘડીક મન્દિરમાંથી મંડપપાળે આવીને ઉભા; અને ગીતશબ્દો જ્ય્હાં આથમી જતા ત્ય્હાં ક્ષિતિજપાળે ને ક્ષિતિજપાળની પાછળ નિહાળી રહ્યા. અન્તરમાંના ને આસમાનમાંના ગીતપડઘા બ્રહ્મચારી સાંભળતા.

જીંદગીની ચન્દની જેવી ચન્દની ખીલી હતી.

ચન્દ્રીકામાં ઉડતી ચકોરીઓ જેવી કેટલીક રાસ-રમણીઓની દ્રષ્ટિઓ અંતરિક્ષમાં ઉડતી. સોળપાંખડી ખીલેલા કમળ સરખી એ એક મદઘેલી જાજરમાન ચતુરા હતી. મદોન્મત્ત મેના શી એની દ્રષ્ટિ મન્દિરના મુગટ સમા બ્રહ્મચારી ઉપર પડી. પુરુષનું પુરુષાતન મૂર્તરૂપે ખડું નિરખી સુન્દરીનું હૈયું હિલોળે ચ્હડયું. તે પછી એનું અંગ રાસને હિન્ડોળે અજબ ઝૂલવા માંડ્યું. યૌવનને આંગણે પગ મૂકતી, સોળ-સોળ વસન્ત તરી ઉતરેલી, તે મન્દિરની માલણની પુત્રી હતી.

દુનિયાને ચક્વે ચ્હડાવતી કંઈ કંઈ યુવતિઓ નવરાત્રીની એ રાત્રીએ પોતે જ ચક્વે ચ્હડી હતી.

૧૦૦