પૃષ્ઠ:Pankhadio.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મન્દિરની વાડીમાં એક ચંપાનું ઝાડ હતું. બ્રહ્મચારી એ ઝાડ નીચે પોઢતા.

કુંજની ઘટા ઘેરી હતી ને વચ્ચે ન્હાનકડો કુંડ હતો. ફરતી ચાર-ચાર સ્થંભની પુરાણી સ્ફાટિક ચોકીઓ હતી. કુંડના કાંઠાની સ્ફાટિક ચોકીઓની દહેરીમાં આજે એ બ્રહ્મચારી સૂતા હતા.

ચોકીઓમાં રાતનાં અન્ધારાંઅજવાળાં આવી રમતાં.

મધરાતનો ચન્દ્રમા આભમાં લટકતો હતો.

આગલી રાતે અદ્ભુતો નિરખ્યાં હતાં ત્હેમનાં ચિન્તન-ચગડોળે બ્રહ્મચારી ચ્હડ્યાં હતા, એટલે મધરાત થયે પણ હજી ઉંઘ્યા ન હતા. પડતી રાતનાં દર્શનોનું પુનર્દર્શન કરતા, કુંડમાંના તરવરતા તારાઓ ગણતા, આકાશના ચન્દેરી પડદાઓની પાછળનું અણદીઠું નિહાળતા બ્રહ્મચારી પડ્યા હતા. સ્મરણપ્રસંગોની પૃથ્થકરણ પાંખડીઓ છૂટી પાડતા પાડતા મધરાતે યે તે જાગતા હતા.

મન્દિરઆરતીના ઘંતારવ પેઠે એક જ પ્રશ્નટંકાર એમના હૈયામાં ગાજતો; માનવી શું એકપંખાળો જ રહેશે? રસિકતાની ને પવિત્રતાની બે પાંખે ઉડતા પંખીરાજ કેમ વિરલા છે જગતમાં?

સંસારપ્રશ્નો સ્હમજવા કપરા છે, સંસાર પ્રશ્નોના ઉકેલ એથી યે કપરા છે. પણ આત્માના પ્રશ્નો તો સૌથી કપરા છે.

સરિતાના તાગ ઘણાએ લીધા છે. સાગરના તાગ

૧૦૧