પૃષ્ઠ:Parkamma.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૪
પરકમ્મા :
 


‘જમીં પર લા બબતી જતી હોય એવા છબ્યા ન છબ્યા પગ માંડતો, ડીલને નિંડોળીને પંદરેક હાથ માથે ઝફ કરતો, ડોક અસ્વારના ખોળામાં નાખી દેતા, ત્રણેક ગાઉ માથે જાતો ને કણકે, તાળવું કાઢતો આવે……’

એક વાર આ વર્ણન મેં એક બહારવટિયાની વાર્તામાં ઉત્સાહભેર વાપર્યું. વાત લઈ ગયો દરબારશ્રી વાજસૂરવાળા પાસે વંચાવવા. વાંચીને એ કહે કે ‘ભાઈ, બહારવટિયાનો સાંઢિયો કણકે નહિ. એ જો અવાજ કરે તો તે થઈ રહ્યું ના ! મોત જ આવે ના !

મારી સાન ઠેકાણે આવી. ભભકદાર વર્ણનને તો એના યથાસ્થાને જ મૂકી શકાય એ ભાન થયું.

ગગુભાઇની વાતચીતમાં થોકબંધ ભાવપ્રતીકોવાળાં વાક્યો આવતાં તેનું હું ભણતર ભણતો. કોઇ અનુચિત કર્મ કરનારને માટે—

‘અરે ભાઈ, કબરમાં કાંટા શું કામ નાખછ ?’ એટલે કે મૂત્યુને અગાઉથી શીદ બગાડે છે ? એની સમજાવટ કરતા પાછા કિસ્સો કહે કે ‘જુનાગઢના નવાબ મોહબ્બતખાનજી રોજ પોતાની પોતાને માટે તૈયાર રખાયેલી કબર પાસે જઈને કહેતા કે ‘માઈ ! મેં જબ આઉં તબ મેરી નજર રખનાં હો !’

એકલિયા બહારવટિયા માટે કહે કે '‘એકલિયો તો કાઢેલી તરવાર હતો.’

કોઈક વાર્તા પાત્ર વિશે કહે કે—

‘મારા ધણીના મારનારનું માથું ન મળે ત્યાં સુધી મારે અગન્યની આંઘોળી છે.’ અર્થાત ત્યાં સુધી હું અગ્નિનાં જ અંઘોળ [સ્નાન] કરતી હોઉં તેવી યાતના ભોગવીશ.

‘આંહીં તો ભાઇ ! રાઈનો કણ સરખો છે.’ એટલે કે અહીં તો આપણે સૌ સરખા છીએ, કોઇ નાનું કે મોટું નથી.

કૈક ચારણો મારાથી દિલ ચોરતા ને એવી શંકા સેવતા કે આ તો આપણી વાતું લઈ જઇ આપણો ધંધો ભાંગી નાખે છે, ત્યારે