પૃષ્ઠ:Parkamma.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
: પ્રયાણ બીજું
૯૫
 


ગગુભાઈ કહેતા કે ‘આમણે તો સ્મશાનો સજીવન કર્યાં છે. જેમનો પતો ન જડ્યો હોત તેવા નાના વીરનરોને પુનર્જીવન આપ્યું છે, ને ઉલટાની આપણને ય ખબર નહોતી એવી વાતો લાવીને રજૂ કરી છે, વાતો માંડ્યા જ કરીએ, કદી ખૂટે નહિ.’
મારા ભોગ લાગ્યા તે એક વાર આ મુલાયમ માનવીને એક શ્રીમંત સ્નેહીની જાનમાં તેડી ગયો. એ શિક્ષિત અમીર-પુત્રે પોતે જ કહ્યું હતું કે કોઈક ચારણને લાવજો, પણ લગ્નની ધમાલ એવી રહી કે ગગુભાઇ ખીલ્યા નહિ. ઘણો પ્રયત્ન કર્યા છતાં જીહ્વા જામી નહિ અને ખાસ નિમંત્રાવીને તેડાવેલા આ મોભાદાર ચારણને કંઈ પુરસ્કાર આપવો તો દૂર રહ્યો, એનું રેલભાડું યે અપાયું નહિ. હું લાજી મર્યો. ગગુભાઈ કહે ‘અરે ઝવેરભાઈ, કંઈ નહિ. એ તે થયા કરે.’
તે દિવસથી ચારણ સ્નેહીઓને હું બહાર લઈ જઈ શ્રીમંતોને આશરે રજૂ કરતો અટક્યો છું.
ગગુભાઈને છેલ્લા દીઠેલા જેતપુરની એક દરબાર–ડેલીએ. મોંમાં દાતણ હતું, મળવા નક્કી કર્યું પણ ડોકાયા નહિ. મને ઘણીઘણી વિમાસણ થઈ, કે શું કારણ હશે ! પણ ખરી ખબર ઘણા વર્ષો પછી પડી. ૧૯૩૩ માં મુંબઇ હતો ત્યાં એમના મૃત્યુની જાણ થઈ. પાછો કાઠિયાવાડ આવ્યો ત્યારે ખબર પડી કે એમને કંઈક વિચારવાયુ થયો હતો, ને શંકા ઊપડેલી કે ‘મને કોઈક જમવામાં ઝેર દઇ રહેલ છે !’
ગગુભાઈને વિશે મારાથી સંકોચ પામતે પામતે પણ ટકોર કરનારા કેટલાક સ્નેહીઓ મળ્યા હતા : કાઠી દરબારોના કેફ નશાખોરી પર ગગુભાઈની છાપ સારી નથી, દારૂમાં ચકચૂર બનતા નપાવટ દરબારોનું રંજન કરીને એ પોતે વસતીને પીડનકર્તા થઈ પડે તેવાં ઇનામો મેળવે છે. ફલાણા દરબારનું નિકંદન નીકળી ગયું, ફલાણાને પણ સારી સલાહ ન મળી વગેરે.