પૃષ્ઠ:Parkamma.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬
પરકમ્મા :
 

 પતો મળે છે. એ આદમી આ પ્રવાસમાં ભેટ્યો હતો. સ્વ. દરબાર કાંથડ ખાચરની રાજપરાની ખળાવાડમાં એ હવાલદાર હતો. પડછંદ, સીધો સોટા સરીખો, ઘાટી સફેદ દાઢી, જબાને મૂંગો, કરડી પણ ગંભીર આંખો : ઓળખાવ્યો ત્યારે જ ખબર પડી, કે વાલા નામોરી અને મોવર સંધવાણીના બહારવટામાં જાતે જોડાનાર એ મિયાણો હતો. એણે મને પેટ દીધું, સમસ્ત બહારવટાની કથા કહી, પોતે એ પ્રત્યેક કિસ્સાનો સાક્ષી જ માત્ર નહિ પણ સક્રિય પાત્ર હતો. ચારણ, ભાટો અને કથાકારો જ મને ઉટાંગ વાતો કહી ગયા છે એ માન્યતા ખોટી છે. ઘટનાનાં જીવતાં પાત્રો મને સાંપડ્યાં છે. તેમની વિશ્વસનીયતાને મેં ચકાસી જોઈ છે. તેમણે સારૂં બુરું બેઉ દિલ ખોલીને સંભળાવ્યું છે. તેમણે તો પોતાને વિશે પ્રચલિત કેટલીક અતિ શોભાસ્પદ અને ભભકભરી વાતોનો પણ સરલ ભાવે ઈન્કાર કર્યો છે.

એ વૃદ્ધ મિયાણાના છેલ્લા શબ્દો–કલ્યાણકારી શબ્દો–ટાંચણમાંથી અહીં ઉતારીને હું તેને સલામો દઉ છું—

‘વાલો મોર : ઘઉંલો વાન : સામાન્ય કદનો :

શરીરે મજબૂત : સ્વભાવ બહુ સાદો શાંત : કોઇ ગાળ દ્યે તો પણ બોલે નહિ : કોઈ દી’ હસે નહિ : કોઇ દસ વેણ બોલે ત્યારે પોતે એક બોલે : સાંજ પડ્યે બંદુકને લોબાન કરે : એની હાજરીમાં ભૂંડું બોલાય નહિ.’

આ બહારવટીઓ ! આ મિંયાણો ! આવા શીલવંતા કેવે કમોતે ગયા ! આમ કેમ થયું ? પરચક્રને પ્રતાપે જ તો. બહાદુરોને બદમાસો કરી ટાળ્યા.

સંતોનાં જીવનરહસ્ય

ખેર ! સલામો દઇને જ આગળ ચાલું છું. પાંચાળનાં બહારવટીઆની પડખોપડખ મારી નોંધપોથીમાં પાંચાળના પીરાણાં–સંતજનોની શ્રેણી બેઠી છે—

“આપો રતો – નાની મોલડી