પૃષ્ઠ:Parkamma.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬
પરકમ્મા :
 


જીવણ કે’ શઢ ચડાવી કર્યું સાબદું
મુંને આવી મળ્યા સરાણ;
વાભું કરીને વા’લે ઘા કર્યો
મારે ભળહળ ઊગ્યા રવિભાણ રે
વાલ્યમની વાતુંમાં.

જીવણ કે’ ગુરુ કાયામાં ગોતજો
મારા વાલ્યમનાં શાં કરું વખાણ !
દસમે દરવાજે ડેરી બિરાજે
રાખો ધોળી ધજાનાં પરમાણ રે
વાલ્યમની વાતુંમાં.

જીવણ કે’ ગુરુ મળ્યા ને ગુરુગમ જડ્યો
મુંને મટી ગઈ તાણાવાણ્ય;
દાસી જીવણ સંત ભીમનાં ચરણાં
પ્યાલા પાયાનાં પરમાણ રે
વાલ્યમની વાતુંમાં.

તે પછી નથુનાં ગાયેલ બીજાં ભજનોનો આખો ચોસર માંડેલો છે. ત્યારે પહેલાં બીજમાંથી અઢાર-વીસ વર્ષે આજ આંબો ફાલે છે. લોકસાહિત્યનો સંસ્કાર એકલી શૌર્યની વાતોએ, એકલા દુહાએ, એકલા પ્રેમશૃંગારના છકડિયાએ નહિ પણ ભજનો વડે ય સર્વદેશીય વારિસિંચનથી પોષાતો હતો. આજે ફળ બેઠાં છે. ભજનવાણીની ઘડ મગજમાં બેઠી છે.

નથુ અને એની ચૂંચી આંખોવાળી વહુ, બે છોકરાં, ખોખરી સુંદરી, ખરજ અને પંચમ સ્વરોની એ જોડલી અત્યારે ક્યાં છે. ? જીવતાં છે કે મૂઆં ? (આ લખ્યા પછી જાણ્યું કે નથુ ગયો છે, વહુ બેઠી છે.)