પૃષ્ઠ:Parkamma.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮
પરકમ્મા :
 


ગોધરા-ઠક્કરબાપાએ જેસાવાડા ગામે ભીલોને માટે રામમંદિર ચણાવ્યું તેની ઉદ્‌ઘાટનક્રિયા હતી. મને તેડાવેલો. જેસાવાડાથી વળતાં ગોધરે મને ત્યાંની સાહિત્યસભા તરફથી ઉતારવામાં આવ્યો. ગોધરાની સાહિત્યસભા એટલે તો બીચારા એક ભાઈ–‘બાળક’ નામના માસિકના તંત્રી. (નામ ભૂલી ગયો છું) સૂર્યાસ્ત સમયે મને ટ્રેનમાંથી ઉતારી, એક ગાડીમાં બેસારી કહે કે તમારો ઉતારો ડેપ્યુટી પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ સાહેબને ઘેર છે. હેબતાયો–મનમાં એક એવો સંસ્કાર પડી ગયેલો કે નિમંત્રણ ભલે સંસ્થાનું હોય, ઊતરું હમેશાં નોતરનાર વ્યકિતને ઘેર–ગરીબ શ્રીમંત ગમે તે હો : ભૂખ કેવળ એના ઘરનો પરોણો થઈને એના કુટુંબ પરિવારનો આત્મીય બનીને રહેવાની. એને બદલે આ પોલીસના સાહેબને ઘેર ! હશે જીવ ! બીજે સગવડ નહિ હોય, ને કાં પોલીસના સાહેબે જાપ્તો રાખવાની બીજી કશી પંચાત ન પડે તે સારુ પોતાની નજર સામે રાખવા ધારેલ હશે !

સાહેબને બંગલે પહોંચું ત્યાં તો આનંદ અને આશ્ચર્ય રાહ જોતાં હતાં. એ ઘર પોલીસના સાહેબનું હતું તે કરતાં વધુ તો મારાં વર્ષોનાં આત્મજનોનું હતું. મારા જમાદાર પિતાના મોટાભાઈ જેવા ઉપરી ફોજદાર ભટ્ટ સાહેબ ત્રિપુરાશંકર, એમનાં પત્ની મણિબા, વઢવાણ કેમ્પની સડક પર એપ્રિલના ધોમ બપોરટાણે નિશાળેથી કજિયો કરતાં કરતાં પાછા ફરતાં જેના ગોઠણની નીચે દબાઈને ભોંય પર પડ્યાં પડ્યાં જેનાં મેં બાબરકાં ખેંચી તોબા પોકરાવેલી તે મારો સમવસ્યક બાળગોઠિયો બાલુભાઈ (આજે કરાચીમાં ડૉ. કેપ્ટન સી. પી. ભટ્ટ છે તે જ)- એ બધાં મને ચકિત કરીને ભેટી પડવા ઊભાં હતા. એમની અંદર હતાં વિધવા કુમુદબહેન.

યાદદાસ્ત આગળ ને આગળ જાય છે–

રાજકોટની પોલીસ-લાઈનની એક ઓરડી : ત્યાં એક માંદા મહેમાન : કૉડલિવરની એક બાટલી : મહેમાનની ચાકરી કરતાં કુમુદબહેન : સાતેક વર્ષની મારી વયનું આ