પૃષ્ઠ:Patra Lalsa.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કુસુમાવલિ : ૧૦૫
 

બરાબર સમજાતા નથી. વળી હું કાંઈ લખું છું પણ ખરી; પરંતુ એ સુધારવાની જરૂર લાગે છે. તમે જો મને બરાબર સહાય કરો તો મારો અભ્યાસ આગળ વધે. આવો ને અંદર ?' કહી કુસુમાવલિ ઊભી થઈ. સનાતન પણ ઊભો થયો, અને અંદર જતી સુંદરીની પાછળ દોરાયો.

કુસુમાવલિનો ઓરડો બહુ જ સુંદર રીતે શણગારેલો હતો. એક સુશોભિત સૉફા ઉપર તેણે સનાતનને બેસાડ્યો, અને કબાટોમાંથી સારાં પૂંઠાવાળી ચોપડીઓ કાઢી સનાતનને બતાવવા લાગી.

'હૃદયવાણી તો મેં વાંચી નાખી છે. કલાપી વાંચવો બહુ ગમે છે, પણ એની ગઝલો જરા પણ સમજાતી નથી. અને નાનાલાલની શ્રાવણી અમાસ બધા બહુ વખાણે છે, પણ મને તો સમજાતું જ નથી. પેલા કોણ ઊડ્યા? અને બંધુનો પગ કેમ લપસ્યો ?' હસતાં હસતાં કુસુમે જણાવ્યું.

સનાતનને પણ હસવું આવ્યું. તેને પણ સમજતાં વાર લાગી હતી તે પણ તેને યાદ આવ્યું.

'મારાથી બનશે એટલું સમજાવીશ.' સનાતને કહ્યું.

થોડી વારમાં તેણે ચોપડીઓનો ઢગલો કર્યો. પછી તેણે કેટલાંક ચિત્રો લાવી સનાતનને બતાવ્યાં. આ યુવતીની રસિકતા જોઈ સનાતન ચકિત થઈ ગયો. ચિત્રકામમાં હિંદુસ્તાન કેટલું પછાત છે તે સનાતનના ધ્યાનમાં હતું જ. ચિતરંજનના સમાગમમાં આવ્યા પછી કલા સંબંધમાં તેના વિચારો જુદા જ થઈ ગયા. ચિત્રપટ ઉપર માત્ર મુખસૌન્દર્ય જ બતાવી શકાય એમ તે કૉલેજમાં ભણતો ત્યારે તેની માન્યતા હતી. શરીરનો કોઈ બીજો ભાગ ચિત્રમાં મહત્ત્વ પામ્યો હોય ત્યારે તે આંખ મીંચતો. જગતની નીતિ માટે તેનું હૃદય ચણચણી ઊઠતું અને જોકે કલા અને નીતિના સંબંધ વિષે તેની ઉદારતા વધતી જતી હતી, છતાં કલાની અમર્યાદા માટેનો પોતાનો જૂનો અણગમો તે પૂરેપૂરો દૂર કરી શક્યો નહોતો.

અને જ્યારે રોમન અને ગ્રીક કલાકારોનાં શરીર સૌન્દર્યની મસ્તીમાં મશગૂલ બનેલાં કલ્પનાચિત્રો આ ધમકભરી યુવતીએ એક પછી એક બતાવવા માંડ્યા ત્યારે તે ચમક્યો. તેને કુસુમનો સહજ ડર લાગ્યો, પરંતુ તે તેણે વ્યક્ત કર્યો નહિ, અને ચિત્રોનાં વખાણમાં તે એટલો બધો ઊતરી પડ્યો કે કુસુમને તેની વિદ્વતા અને રસિકતા માટે માન ઉત્પન્ન થયું.

સનાતન જાતે ઘણો જ સુંદર હતો તેની તેને બહુ ખબર નહોતી; બહુ પરવા પણ નહોતી. તેનો સ્વાભાવિક શરમાળ સ્વભાવ તેને ટાપટીપમાંથી મુક્ત રાખતો, અને જોકે વગર ટાપટીપે તેનું સૌન્દર્ય ધ્યાન ખેંચતું, છતાં પણ તેનો શરમાળ સ્વભાવ તેના આકર્ષણને તેના લક્ષ ઉપર લાવવા દેતો