પૃષ્ઠ:Patra Lalsa.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૬: પત્રલાલસા
 

નહિ.

કુસુમે જાણે આજથી જ તેની પાસે શીખવા માંડ્યું હોય એવો દેખાવ કર્યો. સનાતને કેટલીક કવિતા સમજાવી, અને કુસુમને તેમાં નવીન રસ લાગ્યો. સનાતનની સાથે જૂનું ઓળખાણ હોય, જાતે તે ઘરનો માણસ હોય એમ તેની સાથે વાતો કરવા માંડી. લગભગ બે કલાક સુધી કુસુમની સાથે વાત કરી સનાતન જરા અસ્વસ્થ થયો. તેને લાગ્યું કે જરૂર કરતાં તે વધારે વાર બેઠો છે, અને પ્રથમ જ પરિચયમાં જોઈએ તે કરતાં વધારે સહવાસ બતાવ્યો છે. કદાચ પોતાને માટે ખરાબ અભિપ્રાય થાય એમ તેને શંકા ઊપજી અને તેણે કુસુમને પૂછ્યું :

‘ત્યારે હવે હું રજા લઉં?'

કુસુમને નવાઈ લાગી.

'કેમ ? તમે અહીં નહિ રહો ?' કુસુમે પૂછ્યું.

આર્થિક ભેદ મનુષ્ય વચ્ચે મહાસાગર જેટલાં છેટાં પાડી દે છે; માનવબંધુઓ વચ્ચે હિમાલય જેવડી દીવાલો ઊભી કરી દે છે. સરળતાથી, નિખાલસપણે વાત કર્યો જતી કુસુમ ભૂલી ગઈ હતી કે સનાતન તો એક ગરીબ ગ્રેજ્યુએટ તરીકે તેને ત્યાં નોકર રહેવા આવ્યો હતો. વિદ્વત્તા પણ વેચાઈ શકે છે, અને વિદ્વાનોને પણ ખરીદી લેનાર ધનવાનો જગતમાં વસે છે એ વાત કુસુમના ધ્યાન બહાર હતી. તેને એ વાત ધ્યાનમાં આવી હશે તોપણ તેમાં તેને નવાઈ લાગી નહોતી. શીખવવા આવે તે પગાર માગે જ એમાં નવાઈ લાગવાપણું કશું જ નહોતું. તથાપિ બુદ્ધિની હરાજી કરી વધારે માગણી કરનારને તે સોંપી દેવા તૈયાર થયેલા સનાતનને પોતાની લાચારી ડંખ્યા કરતી હતી.

‘આપને મારું શીખવવું પસંદ પડતું હોય તો આપ નક્કી કરો તે વખતે દરરોજ હું આવું.' સનાતને જણાવ્યું.

ભૂલી ગયેલી કુસુમને યાદ આવ્યું કે સનાતન તો નોકરી માટે આવ્યો હતો. તેના મુખ ઉપર એ દુઃખભરેલી લાગણી અંકાઈ રહી હતી તે કુસુમે નિહાળી. અભિમાની, સત્તાની શોખીન કુસુમ સનાતનના મુખ ઉપરના આ ભાવ પારખી ગઈ. પોતે માલિક છે, અને આ સંસ્કારી, રસિક અને રૂપવાન યુવક પોતાના નોકર તરીકે રહેવા માગે છે એમ જાણી તે બીજા કોઈ પ્રસંગે કદાચ રાજી થઈ હોત, પરંતુ સનાતનની બાબતમાં તેને એ ઠીક ન લાગ્યું. તેને અનુકંપા ઉત્પન્ન થઈ. અતિશય સમભાવની લાગણીથી પ્રેરાઈ. સનાતનને ખબર ન પડે એવી રીતે તેણે પોતાની લાગણી વ્યક્ત કરી.