પૃષ્ઠ:Patra Lalsa.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૬: પત્રલાલસા
 


'એ બધું તારા મત પ્રમાણે. પણ મંજરીને પૂછી જોયું ?' ચિતરંજને જણાવ્યું.

'હા, હા. નહિ તો હું લગ્ન કરું ખરો? મંજરીએ જરા પણ આનાકાની દેખાડી નથી.' દીનાનાથે કહ્યું.

'હં !' સહજ હસીને પોતે કાંઈ માનતો ન હોય એવો દેખાવ ચિતરંજને કર્યો.

લગ્નપ્રસંગે મંજરીને કપાળે કંકુ અરાડી ચિતરંજને ચાંલ્લો કર્યો. 'દીનુ ! મારા ગયા પછી જ આ બૅગ ઉઘાડજે. એમાં મારો ચાંલ્લો છે : મંજરી માટે.' અને પછી મંજરીને માથે હાથ મૂકી. 'બેટા ! સુખી થજે.' કહી સદાય આનંદમાં રહેતો ચિતરંજન સહજ શોકની છાયા મુખ ઉપર વિસ્તારતો નંદકુંવર અને દીનાનાથની રજા લઈ ઘણો આગ્રહ હોવા છતાં ચાલ્યો ગયો. બેગ ઉઘાડી જતાં તેમાં રૂ. ૧૫૦૦૦ની નોટો મૂકેલી દેખાઈ. દીનાનાથ સ્તબ્ધ થઈ ગયા. જેમણે જાણ્યું તે સઘળાં સ્તબ્ધ થઈ ગયાં. આટલી ભારે રકમનો ચાંલ્લો મંજરીને થયો તેથી તેને હર્ષ થવો જોઈતો હતો, પરંતુ આ ખબર જાણીને તેણે કાંઈ પણ જવાબ ન આપ્યો.

'મેં પેલાં દસ હજાર પાછા ન લીધા એટલે ચિતરંજને આ રસ્તો કર્યો લાગે છે. એનું ઠેકાણું શું? કેવો વિચિત્ર માણસ છે !' દીનાનાથે જણાવ્યું.

વ્યોમેશચંદ્રની ખુશાલીનો પાર નહોતો. તેમનાં બાળકો હવે સુખી થશે, ઘર વ્યવસ્થિત રહેશે. લક્ષ્મી જેવી નોકરડીઓ પોતાના ઉપર જુલમ ગુજારવાનું માંડી વાળશે, અને - પોતે નીતિમાન રહી સંસાર ભોગવી શકશે. આવા વિચારે તેમનો સમય આનંદમાં વ્યતીત થવા લાગ્યો.

નીતિના બહાના નીચે કેટલાં અનીતિમય લગ્ન થતાં હશે એનો કોઈ સમાજશાસ્ત્રી હિસાબ કાઢશે ? નીતિને અને લગ્નને કેટલો અને કેવો સંબંધ છે તેનું સહજ દિગ્દર્શન કોઈ નીતિવેત્તા કરી શકશે ? લગ્નથી નીતિ વધે છે કે ઘટે છે ? નીતિને નામોશી લાગે એવા દોષો લગ્નની સંસ્થામાં કેટલા પોષાય છે ? આ બધું આપણને કોણ કહેશે?

કદાચ આપણે સહજ દૃષ્ટિ ફેરવીએ તો ઝાંખો ખ્યાલ તો આપણને જરૂર આવી શકશે. આપણાં બાળકો, આપણાં દવાખાનાં, આપણાં કેદખાનાં, આપણાં ભિખારીઓ, એ સર્વ આપણને લગ્ન અને નીતિનો સંબંધ નહિ સમજાવી શકે ?

ગમે તેમ હોય પરંતુ વ્યોમેશચંદ્રને લગ્નથી થતો આનંદ અટકાવવાનો કોઈને અધિકાર નહોતો જ. પરણીને મંજરી ઘેર આવી. તેની