પૃષ્ઠ:Patra Lalsa.pdf/૧૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૬ઃ પત્રલાલસા
 

મળ્યો. સનાતનના મુખ ઉપરનો ઉત્સાહ કુસુમને ન સમજાયો. કુસુમે આગ્રહ કરીને કહ્યું :

'પાછા વહેલા જ આવશો ને ?'

'હા, કામ પૂરું થયે તરત પાછો ફરીશ.' સનાતને કહ્યું.

પરંતુ સનાતનના દેહમાં કાંઈ જુદું જ ચાંચલ્ય દેખાતું હતું. કુસુમે ધાર્યું કે ભવિષ્ય ઊજળું કરવાની અભિલાષા સનાતનને આમ ઉત્સાહ અર્પતી હતી. કુસુમે નિઃશ્વાસ નાખ્યો. તેને લાગ્યું કે ધનમાં રસિકતા હોમાય છે, રસવૃત્તિ ઉપર લક્ષ્મી વિજય મેળવે છે ! જતે જતે તેણે સનાતનને કહ્યું :

'અહં, બહુ પૈસાની લાહ્યમાં પડશો નહિ. આ કુમળું મુખ કઠોર બની જશે.'

મંજરીની મૂર્તિ નિહાળતા સનાતને ક્ષણભર મંજરીને વિચારી. કુસુમના હૃદયને તે જોઈ રહ્યો.