પૃષ્ઠ:Patra Lalsa.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦: પત્રલાલસા
 


‘ભણ્યાનો આનંદ એ જ ભણતરની કિંમત છે.' સનાતને જવાબ આપ્યો.

'શું ધૂળ ભણ્યાનો આનંદ છે ? નિબંધ લખવો હોય તો તમારું વાક્ય ખરું છે, બાકી ભણતરના આનંદની વાત કાં તો મિથ્યાભિમાન અને કાં તો ગપ છે. ભણેલાથી ન હસાય, ન રમાય, ન બોલાય, ન રખડાય, ન ગવાય, અને ન ખવાય. તમારા ભણતરમાંથી આનંદને દેશપાર કર્યો છે. કહો, આપ ગાઈને પોતાને રીઝવી શકો છો ?' ચિતરંજને ભણતરની કિંમત આંકી.

‘ના જી, મને ગાતાં તો નથી આવડતું.' સનાતને જવાબ આપ્યો.

'થયું, ત્યારે અમે તમને ભણેલા નહિ માનીએ. એ રીતે તમારા કરતાં આ મારી મંજરી વધારે ભણેલી છે. સનાતન તરફ વારંવાર ચોરીછુપીથી જોયા કરતી મંજરી ઉપર આંખ પડતાં ચિતરંજને કહ્યું. મંજરી લેવાઈ ગઈ.

'ના ના. મને કાંઈ આવડતું નથી.' ગાવું પડશે એ બીકે મંજરીએ કહ્યું.

‘બહુ રાગદારી તો એને નથી શીખવી, પણ પદ-કીર્તન બહુ સારી હલકથી ગાય છે. કંઠ મધુર છે, અને બતાવેલી ચીજ ઝટ ઉપાડી લે છે.' મંજરીના વહાલસોયા પિતાએ દીકરીના ગુણ ગાયા.

'બધાં વચ્ચે આમ ન કહ્યું હોત તો, ન ચાલત?' મંજરી મનમાં બોલી.

તેને ખરેખર ડર લાગ્યો કે હવે તેને ગાવાની ફરમાશ થશે જ. ના શી રીતે પાડવી તેનાં બહાનાં તે શોધવા લાગી, એટલામાં દીનાનાથે જ કહ્યું :

'મંજરી ! કાંઈક ગા હવે.'

પરાયાં માણસો વચ્ચે ગાવું કેટલું મુશ્કેલ છે એ સહુ કોઈ જાણે છે. તેણે ઘણી આનાકાની કરી, બહાનાં કાઢ્યાં, કંઠ ખરાબ થઈ ગયો છે, ગીત યાદ આવતું નથી વગેરે કારણો રજૂ કર્યો, પણ કોઈએ તેને ન્યાય આપ્યો નહિ, અને એક મતે તેને શિક્ષા ફરમાવી કે તેણે ગાવું જોઈએ.

મંજરી ન ચાલ્યે એકચિત્ત થઈ, તેના મુખ ઉપર ગાંભીર્ય છવાયું, અને તેનું સુંદર મુખ નીચું વળ્યું. કંઠમાં મધુરતાની રેલ આવી અને સોરઠના સૂરમાં ગીત વહ્યું :

મારા અંતસમય અલબેલા, મુજને મૂકશો મા !
મારા મદનમોહનજી છેલા, અવસર મૂકશો મા !

સનાતન સ્તબ્ધ થઈ ગયો. સ્વરોનું રમણીય વાતાવરણ બંધાતું હતું અને અચાનક ચિતરંજનના કઠોર હાસ્યનો ધ્વનિ સંભળાયો. મંજરી ગાતી ગાતી અટકી. સનાતનને એમ થયું કે આ અવિવેકી વૃદ્ધને ખરેખર