પૃષ્ઠ:Patra Lalsa.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગ્રેજ્યુએટ થયા પછી:૩૭
 

બીજા ઉમેદવારોની નિમણુક થઈ ગઈ છે.' 'તમે માગો છો તે પગાર ઘણો ભારે છે.' 'તમારા જેવી લાયકાત ધરાવનાર આટલા ઓછા પગારની માગણી કરે એ અમને સંતોષકારક લાગતું નથી, માટે તમારી અરજી સંબંધી કાંઈ થશે નહિ.' 'તમારા જેવી કેળવણી પામેલા યુવકને અમારી નાની સંસ્થામાં જોડી દેવાથી ભવિષ્ય બગડે એ ભયથી અમો તમને સલાહ આપીએ છીએ કે તમારે અમારી સંસ્થામાં નોકરી ન લેવી.' 'આટલું બધું ભણેલા માણસનો અત્રે ખપ નથી.' 'અમે બહુ ગ્રેજ્યુએટો અજમાવી જોયા, પરંતુ તેમનાથી અમને જરા પણ સંતોષ થયો નથી. તમે ગ્રેજ્યુએટ છો. દિલગીરી સાથે લખવું પડે છે કે હવે ગ્રેજ્યુએટ રાખવાનો એક પણ વધારે અખતરો કરવા અમો તૈયાર નથી.' 'અમને ગ્રેજ્યુએટ નહિ જોઈએ.’ ‘તમો પરણેલા નથી એટલે નાઈલાજ.'

કેટલીક અરજીના તો જવાબ પણ આવ્યા નહિ.

સનાતન જવાબો વાંચી સ્તબ્ધ બનતો ગયો. તેને ખાતરી થવા માંડી કે જગતને કાંઈ પણ જોઈતું હશે તો તે સનાતન તો નહિ જ હોય ! સનાતન સિવાય જગતને બધું જ જોઈએ છે !

તેણે મોટા ગૃહસ્થો અને અમલદારોને જાતે મળવા વિચાર રાખ્યો. તેને એમ લાગ્યું કે તેનો ઊંચો મજબૂત બાંધો, ગૌર વર્ણ નાજુક મુખ અને બોલવાની છટા જરૂર સામા માણસ ઉપર છાપ પાડ્યા વગર નહિ જ રહે. પરંતુ ધનવાન અને સત્તાવાન મનુષ્યો ઉપર છાપ પાડવાનો પ્રયોગ કદી સફળ થતો જ નથી.

અડધો કલાક બેસાડી રાખી એક ગૃહસ્થ સનાતનને પોતાની પાસે બોલાવ્યો.

'સનાતન તમારું જ નામ કે ?'

'જી હા.' છટાથી સનાતને જવાબ આપ્યો. '

'હાં.તે પછી...શા કામે આવ્યા છો ?' ગૃહસ્થે પૂછ્યું.

'સાહેબ ! હું પ્રથમ વર્ગમાં પાસ થયેલો ગ્રેજ્યુએટ છું, અને....'

તેને આગળ બોલતાં પહેલાં જવાબ મળ્યો :

'બહુ સારી વાત છે... અરે જમાદાર ! જુઓ ને, ગાડી તૈયાર થઈ ? હાં, પછી ?'

'મારી ઇચ્છા એવી છે કે...' સનાતન બોલી રહે તે પહેલાં તો પેલા ગૃહસ્થે બીજી બૂમ મારી :

'સાંભળો ને ! ટેલિફોનમાંથી શો જવાબ આવ્યો ?....હા, હા. તમારી