પૃષ્ઠ:Patra Lalsa.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬: પત્રલાલસા
 


‘અલ્યા, એક દોરડું તૈયાર કર અને થોડાક લૂગડાંના કટકા લેતો આવ.' , ચિતરંજને કહ્યું.

પેલો નોકર જરા ખમચ્યો.

ચિતરંજને બૂમ મારી : ‘કેમ, બહેરો થયો છે કે ? સંભળાતું નથી ?'

કાંઈ પણ બોલ્યા વગર નોકર અંદર ચાલ્યો ગયો.

સનાતન અને મેના બંને સ્તબ્ધ થઈ ગયાં. તેમની વ્યાકુળતા બહાર જણાઈ આવી. સનાતનને લાગ્યું કે આવો આનંદી ચિતરંજન આટલી મોટી ઉંમરે, અત્યંત ટાઢકથી એક જીવતા માણસને બાળી નાખવાની તૈયારી કરાવે છે એ કેવું આશ્ચર્ય ?

રફીક પણ સહજ ચમકતો જણાયો, પરંતુ તેને આ બધી ધમકી ખરી લાગી નહિ. થોડી ક્ષણોમાં તેણે સ્થિરતા મેળવી.

મેનાથી બોલ્યા વગર રહેવાયું નહિ.

'જવા દો ને એને ? એનું પાપ એને ખાશે !'

'એનું પાપ પણ એની પાસે આવતાં ગભરાય છે. એને તો હું જ ખાઈશ.' ચિતરંજને શાંતિથી જવાબ આપ્યો.

આ ભયંકર પ્રસંગથી સનાતન દિઙ્મૂઢ બની ગયો. પોતે કઈ સૃષ્ટિમાં છે તે પણ એને સમજાયું નહિ. ચિતરંજનને લાગ્યું કે સનાતનની કલ્પનામાં પણ નહિ આવેલો પ્રસંગ નિહાળી તે ચકિત બની ગયો છે. રાત્રિ વધતી હતી તેમ તેમ આ પ્રસંગની ભયંકરતા પણ વધતી હતી.

'મેના ! સનાતનને હવે સુવાડી દે, એને વાગ્યું છે અને પાછો ઉજાગરો થશે.' ચિતરંજને કહ્યું.

માણસનું ખૂન કરવા તૈયાર થયેલો રાક્ષસી માણસ એક વાત્સલ્યથી ઊભરાતું વાક્ય બોલે એ પણ માનવહૃદયની વિચિત્રતા છે. સનાતનને સમજાયું નહિ કે ચિતરંજન તે એક ખૂની હશે કે પાલક !

'હમણાં કાંઈ સૂતો નથી. તમારી સાથે સૂઈશ.' સનાતને કહ્યું. પેલો નોકર અંદરથી એક મોટી રસી અને લૂગડાંના કટકા લઈ બહાર આવ્યો.

રફીકે શાંતિથી તે જોયા કર્યું.

ચિતરંજને હુકમ આપ્યો : 'પેલે કડે રસી લટકાવ, અને અંદરથી બીજા માણસો બોલાવી પેલા ચાંડાળને રસી સાથે બાંધી દે.'

નોકરે વગર બોલ્યે મોટી રસી કડે લટકાવી.

મેના અને સનાતન થરથરવા માંડ્યાં. ચિતરંજને પાસે પડેલો પાનનો ડબ્બો લીધો અને જાણે કાંઈ જ બનતું ન હોય તેમ પાન બનાવી