હસ્તિનાપુર પર અંધકાર છવાયો હતો. સર્વત્ર સૂનકાર હતો. માર્ગો સૂના સૂના હતા, આભની અટારી પર થોડા તારલા ઝબકતા હતા.
મહારાજા શાન્તનુનો રાજમહેલ પણ અંધકારની ચાદરમાં લપટાયો હતો, દાસદાસીઓ પણ નિંદ્રાધીન થયાં હતાં, દિવસભર સતત પ્રવૃત્તિથી ધમધમતા રાજમહેલમાં પણ શાન્તિ હતી, માત્ર મહારાણી ગંગાદેવી અર્ધ જાગ્રત અવસ્થામાં પોતાના પડખે સૂતેલા દીકરા પર હળવે હળવે પોતાનો હાથ ફેરવતાં ક્યારેક ઊર્મિલ બની જતાં એકદમ બેઠાં થઈ, બાળક સામે નજર માંડતાં. નવજાત બાળક શાંત હતું. આંખો બંધ કરીને પડી રહ્યું હતું.
હૈયાની ઊછળતી ઊર્મિઓ પર એકદમ પથ્થર મૂકી હતાશામાં ઘેરાયેલી ગંગાદેવી પુનઃ શૈયામાં પડતું નાખતાં બબડી, ‘દુર્ભાગી, તને અહીં કોણે મોકલ્યો ? વૈભવો, સુખચેનને જોયા વિના જ તારું જીવન હમણાં સમાપ્ત થશે, દુર્ભાગી !’
ગંગાદેવીની નજર સમક્ષ પોતાની કુખે જન્મેલા સાત સાત સંતાનોને તેણે જળસમાધિ લેવડાવી હતી, તેનાં દૃશ્યો સમક્ષ રમવા લાગ્યાં.
જ્યારે તે પ્રથમ પ્રસૂતા બની ત્યારે, મહારાજા શાન્તનુ તેને સમજાવતા હતા, ‘ગંગાદેવી, આખરે હસ્તિનાપુરને તેનો ભાવિ મહારાજા પ્રાપ્ત થશે ત્યારે રાજ્યના લોકો કેવા હર્ષોલ્લાસ માણતા હશે?’