મહારાજા શાન્તનુ ઉલ્લાસભર્યા હતા, પણ ગંગાદેવી ગંભીર હતી.
‘તમે કેમ કોઈ ઉલ્લાસ બતાવતા નથી, દેવી ? તમારા પુત્રના જન્મનો આનંદ આખી પ્રજા માણે એ તમને ગમતું નથી ?’
‘પણ ઉલ્લાસ માણવાની વેળા જ ક્યાં હશે, રાજન્?’ આખરે ગંગાદેવીએ જબાન ચલાવી.
‘કેમ રાજકુમારનો જન્મ ઉલ્લાસ માણવાની વેળા નથી શું? જન્મના ઉલ્લાસ સાથે મૃત્યુનો શોક પણ માણવો જ જોઈશે ને ?’ ગંગાદેવીએ કહ્યું.
‘આ શું કહો છે, દેવી ? આવી અમંગલવાણી, મા તેના ભાવિ સંતાન માટે કેમ ઉચ્ચારી શકે ?’
‘હકીકત તો કેવળ નિશ્ચિત છે, રાજન્ !’ ગંગાદેવી ગંભીરતાથી કહી રહી ને ઉમેર્યું, ‘તમારો રાજકુમાર જન્મશે તેના થોડા કલાકમાં જ જળસમાધિ પણ લેશે.’
‘એટલે ?’ મહારાજા શાન્તનુ ગંભીર થતાં પૂછી રહ્યા, ‘જળસમાધિ શા માટે ? તમે તેની રક્ષા કરવાવાળા નથી શું ? તે કોઈ તેને જળસમાધિ લેવડાવે ?’
‘કોઈ કોણ ? ખૂદ તેની જનેતા જ તેને જળસમાધિ લેવડાવશે, રાજન્!’
‘એટલે તમે ? તમે જ તમારા સંતાનની હત્યા કરશો, દેવી ?’
‘હત્યા નહિ, રાજન્, પણ વચનપાલન કહો. ‘ગંગાદેવીએ સ્પષ્ટતા કરતાં કહ્યું, ‘ભૂલી ગયા આપણા લગ્નપ્રસંગે નક્કી થયેલી શરત ? હું મારા સંતાનોને જળસમાધિ લેવડાવીશ. તેમને જીવતા નહિ રાખું એમ તમને લગ્ન પહેલાં સ્પષ્ટપણે જણુાવ્યું ન હતું ?' ને પૂરી ગંભીરતાથી બોલી, ‘એ મારી પહેલી શરત છે. હજી પણ શરતપાલન કરવી ન હોય તો મને જવા દો.’
બોલતાં બોલતાં તે ઊભી થઈ, બારણા પ્રતિ તેણે ડગ માંડ્યા.