જિંદગી બચાવવી જ જોઈએ.’
‘જાણું છું, મા !’ ભીષ્મ પણ દ્રવી ઊઠ્યો હતો. તેણે વિશ્વાસ દીધો, ‘બીજા વૈદને તત્કાળ લઈ આવું છું. મા, તમે શાંત રહો. ઈશ્વરની ઈચ્છા હશે તો સૌ સારું થશે.’
ભીષ્મ બીજા વૈદને પણ લઈ આવ્યો. તેણે પણ ઘણાં ઘણાં ઉપચારો કર્યા. તેને માટે પણ આ માંદગી ભાવિની ઉજ્જવળતાને પામવા માટેની એક તક હતી. જો તે વિચિત્રવીર્યને માંદગીમાંથી હેમખેમ બેઠો કરી શકે તો રાજવૈદનું સ્થાન તેને માટે નક્કી જ હતું. એ સ્થાન પામવા માટેની આ તકને સફળ બનાવવા તે પણ ઘણાં ઘણાં પ્રયત્ન કરતો. અરે! રાત્રિ પણ તે બીમાર સાથે જ ગાળતો, પણ તેનેય નિરાશ થવું પડ્યું. તે પણ વિદાય થયો. હવે માત્ર કોઈ ચમત્કાર થાય તો જ વિચિત્રવીર્ય સ્વસ્થ થઈ શકે. એવો કોઈ ચમત્કાર થયો જ નહિ ને વિચિત્રવીર્ય પણ વિદાય થયો.
સત્યવતીને બીજા દીકરાના અવસાનનો સખત આઘાત લાગ્યો. તેનાં સ્વપ્નાં રોળાઈ ગયાં હતાં. તેની મનોવ્યથા પણ ઘણી હતી. ભીષ્મ તેને આશ્વાસન દેતાં કહેતો, મા ! ઈશ્વરની ગતિનો કોઈ પાર પામ્યું છે? આપણે લાચાર છીએ.’
‘જાણું છું, ભીષ્મ ! જાણું છું !’ અશ્રુભીની આંખો સાફ કરતાં સત્યવતી દર્દભીના સ્વરે કહી રહી. ‘કોઈના હક્ક, અધિકાર છીનવી લઈને પોતે તેનો ઉપભોગ ક્યાં સુધી રહેવાનો હતો ? ઈશ્વરનો ન્યાય ભલે મને ન ગમે, પણ તેનો ન્યાય તો સાચો જ છે ને?’
ભીષ્મ સત્યવતીના વચનોનો મર્મ બરાબર સમજી ગયો હતો, પણ તેનો આનંદ તે માણતો ન હતો. સત્યવતીના શબ્દો તેના દિલ પર ભારે ચોંટ મારતા હોય એમ થોડીક ક્ષણો તે હલબલી ઊઠ્યો ને સત્યવતી પ્રતિ પ્રશ્ર્નાથ દૃષ્ટિ માંડી રહ્યો.
‘મા, આ તમે શો બકવાસ કરો છો?’ તેણે પૂછ્યું, ‘મારા