લખાણ પર જાઓ

પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૪ ✽ પિતામહ
 

ભાઈઓએ ક્યાં કોઈનો હક્ક છીનવી લીધો હતો? તેઓ પોતે જ હક્કદાર હતા. તેમણે તેમના હક્ક ભોગવ્યા તેમાં ઈશ્વરના ન્યાયની વાત ક્યાં આવી?’

‘ભીષ્મ, તું ભલે તારા છીનવાઈ ગયેલા હક્ક વિષે શાંત હો, તારા પિતાની જિંદગી કાજે તેં ભલે તારા હક્કનું બલિદાન દીધું પણ હકીકતમાં તો તારો હક્ક છીનવાઈ જ ગયો હતો ને? તું ભલે એમ માનતો ન હોય પણ લોકો તો એમ જ માને ને?’

‘લોકો શા માટે એવી કલ્પના પણ કરે? ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય શાન્તનુના જ સંતાનો છે. શાન્તનુનો એ અધિકાર હતો કે, પોતાના ગાદીવારસ તેને ઠીક લાગે તેને બનાવે. તેમણે ચિત્રાંગદને ગાદીવારસ બનાવ્યો, યુવરાજપદે સ્થાપ્યો તેમાં બીજાઓ શા માટે ટિકા કરે?’ બોલતાં બોલતાં ભીષ્મ પણ દ્રવી ઊઠ્યો હતો. સત્યવતી પ્રત્યે તેણે હંમેશા પૂજ્યભાવ જ રાખ્યો હતો. તેને પોતાની માતા જ માની હતી. તેની કોઈ પણ ઇચ્છાની પોતે ક્યારેય અવગણના પણ કરી ન હતી, છતાં સત્યવતીના મનમાં આવો ભાવ કેમ જાગ્યો હશે?

તેણે સત્યવતીને પ્રશ્ન કર્યો, ‘મા, તમારા દિલમાં આજે આવો ભાવ કેમ જાગ્યો ? મારી કોઈ ઊણપ છે? મેં તમને કદી દુભવ્યાં છે, મા ?’ ભીષ્મ ગદ્‌ગદ કંઠે પૂછતો હતો.

ભીષ્મની હાલત જોતાં સત્યવતી પણ દ્રવી ઊઠી. તેણે ઊભા થઈ ભાંગી પડેલી હાલતમાં બેઠેલા ભીષ્મના મસ્તક પર પ્રેમાળ હાથ મૂકી તેને હૈયાધારણ દેતાં કહી રહી, ‘ભીષ્મ ! તમને દુભવ્યા તેનો મને ઘણો જ અફસોસ છે. તમે મારા પ્રત્યે પુત્રવત્ ભાવ જ રાખ્યો છે તે હું જાણું છું. તમે કદી પણ મારી આજ્ઞા અમાન્ય કરી નથી તે પણ હું જાણું છુ. જે કાંઈ બન્યું તેનો અફસોસ કરતાં મારા મનમાં અપરાધભાવ જાગ્યે તેને હું વાચા આપું છું. તમને કોઈ દોષ દઈ શકે તેમ નથી. તમે મારા બંને પુત્રોને