લખાણ પર જાઓ

પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પિતામહ ✽ ૧૩૫
 

બંધુભાવથી જાળવ્યા, તેમના માટે તમે ઘણાં ઘણાં પુરુષાર્થો પણ કર્યાં, એ પછી મારા દિલમાં તમારા વિષે કોઈ શંકા પણ કેમ જાગે ?’ તેણે આવેશમાં આવી ભીષ્મના કપોલપ્રદેશ પર ચુંબન દેતાં કહ્યું, ‘હવે આજની સ્થિતિનો જ આપણે વિચાર કરવો જોઈએ. તમારી સલાહની મને ખૂબ જ જરૂર છે, ભીષ્મ !’

‘સલાહ નહિ, આજ્ઞા કહો મા. તમારો ભીષ્મ તમારી આજ્ઞાનું કદી પણ ઉલ્લંઘન નહિ કરે મા ! ખાતરી છે ને ?’

‘હા, ખાતરી જ કેમ, પૂરતો વિશ્વાસ પણ છે, ભીષ્મ !’

‘તો કહો, શું ઈચ્છો છો ?’

‘ઇચ્છા તો એટલી જ છે કે હવે હસ્તિનાપુરની ગાદીનો વારસ હોવો જોઈએ. બંને ભાઈઓ નિઃસંતાન ગુજરી ગયા છે એટલે આપણી સમક્ષ વિકટ સમસ્યા ઊભી થઈ છે. કુરુવંશનો વેલો વધતો જ રહેવો જોઈએ અને હસ્તિનાપુરની ગાદી સૂની ન રહેવી જોઈએ.’ ને ઉદ્વેગપૂર્ણ સ્વરે બોલી, ‘મને બે દીકરા ગુમાવ્યા તેનો અફસોસ છે, પણ તેના કરતાંય કુરુવંશ અને ગાદી સૂની રહે તેને વિશે વિશેષ ચિંંતા છે.’ ને ભીષ્મને પ્રશ્ન કર્યો, ‘તમે કોઈ માર્ગ બતાવશો?’

ખભા ઊંચા કરતાં ભીષ્મે જવાબ દીધો, ‘હું શો માર્ગ બતાવું મા ! મને તેને વિશે વિચારવાની પણ જરૂર શી છે?’

‘શું કહો છો તમે?’ અચંબાભરી સત્યવતી પૂછી રહી.

‘તમે બેઠાં છો, પછી તમારે જ જે યોગ્ય અને વ્યાજબી હોય એ નિર્ણય કરવો જોઈએ.’ ભીષ્મે કહ્યું.

‘તમે માનશો ખરા ?’

‘મા, તમને હજી પણ ભીષ્મનો વિશ્વાસ નથી ?’ સત્યવતીના પ્રશ્નથી આઘાત અનુભવતો હોય એમ ભીષ્મે પ્રશ્ન કર્યો.

‘વિશ્વાસનો પ્રશ્ન જ નથી, ભીષ્મ !’

‘તો શું છે, મા?’