પડખે બેઠેલી ગંગાનો હાથ પોતાના હાથમાં લેતાં બોલ્યો, ‘તમે અહીંં એકલાં જ હશો ખરું ને ?’
‘હા, માબાપ હતાં, પણ અત્યારે તો એકલી જ છું.’
‘તો અહીં આવા નિર્જન વગડામાં તમે એકલાં શી રીતે રહી શકો ? કોઈનો સહવાસ નહિ. જિંંદગી જાણે વેરાન-વગડા જેવી જ હશે ને?’
‘ના રાજન્, જિંદગી તો હરીભરી છે, વગડામાં નિર્જનતા પણ નથી, અહીં પશુઓ છે, તેમનો સહવાસ આનંદદાયક છે, પંખીઓનો કલરવ, કલશોર, કેટલાં મીઠા હોય છે?’ ને મયુરનાં નૃત્યો, કોયલનો ટહુકાર મનને ભર્યું ભર્યું જ રાખે છે. ક્યાંય કશો ઉલ્કાપાત નથી, ક્યાંય ચિંતા પણ નથી.’ યુવતી શાન્તનુ સમક્ષ તેના જીવનની કિતાબનાં પાનાં ઉકેલતી હતી.
‘છતાં પણ માનવ સહવાસની અધૂરપ તો ખરી જ ને? કદાચ તમે બીમાર પડો તો તમારું કોણ ?’ શાન્તનુ જાણે એકલવાયી જિંંદગી જીવતી યુવતીનો હમદર્દી બનતો હતો. તેણે પ્રશ્ન કર્યો, ‘માનવી સાથે જિંદગી જીવવાની ઇચ્છા થતી નથી શું?’
શાન્તનુનો પ્રશ્ન સાંભળતાં અંતરના ઊંડાણમાંથી નિસાસો સરી પડ્યો હોય એમ નિશ્વાસ નાખતાં જવાબ દઈ રહી, ‘ઇચ્છા તો થાય, આખરે ગંગા પણ માનવી તો છે જ ને?’
‘તો અહીંં કેમ પડી રહો છો?’
‘ક્યાં જાઉં? કોની સાથે રહું ?’
‘તમે ઇચ્છો તો માર્ગ બતાવું!’
શાન્તનુના દિલમાં ગંગાના જવાબમાંથી ઉત્સાહ જાગ્યો. પોતે ગંગાના સૌંદર્યના મોહમાં તરબતર હતો. તેના હૈયાની પાટી પર ગંગાની તસ્વીર પણ અંકિત થઈ ચૂકી હતી. તેના નિરસ જીવનમાં ગંગાના થોડી ક્ષણોના સહવાસે રસ છલકાતો થયો હતો. તે પોતે નિમંત્રણ દેવા ઉત્સુક હતો, પણ ગંગાના જવાબથી