લખાણ પર જાઓ

પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦ ✽ પિતામહ
 

એટલું જ નહિ, પણ મહારાજાની પ્રિત વિષેનો ભાવ પણ વધી પડ્યો.

તેણે સાશ્ચર્ય પ્રશ્ન કર્યો : ‘હસ્તિનાપુરના મહારાજા આ વૃક્ષ હેઠળ રાત્રી-વાસો કરશે? આ નિર્જન ઘોર જંગલમાં ? જ્યાં રાની પશુ રાત્રીની મેાજ માણવા ઘૂમતાં હોય છે, ત્યાં તમે એકલાં અહીં રાત્રી વ્યતિત કરો એ ઠીક ગણાશે ?’

‘ઠીક અઠીકના પ્રશ્નનો હવે છેદ ઊડી ગયો છે, ગંગાદેવી!’ શાન્તનુએ ગંગાના ખભા પર માથું ઢાળી દેતાં કહ્યું. ‘જ્યાં ગંગાદેવી મારી પડખે છે, ત્યાં રાની પશુઓનો ભય પણ શો?’

શાન્તનુએ તેનાથી વિખૂટા પડેલાં સાથીઓ તેને શોધતાં શેાધતાં ત્યાં આવી પહોંચ્યા હતા. દૂર દૂર સુધી ઘોડાઓની હાર જામી હતી. સશસ્ત્ર સાથીઓ મહારાજ શાન્તનુ સમક્ષ ઊભા ઊભા વિદાયની તૈયારી કરતા હતા. તેમને આદેશ દીધો, ‘તમે સૌ વિદાય થાવ.’

‘ને તમે મહારાજ ?’

‘હું રાત્રી વનમાં ગુજારીશ.’

‘પણ તમે એકલા?’

‘ના, હું એકલો નથી.’ ને પડખે બેઠેલી ગંગા પ્રતિ દષ્ટિપાત કરતાં બોલ્યા, ‘મારા જીવનનો સહવાસ મને પ્રાપ્ત થયો છે. તેના સથવારે વગડો શું કે રાજમહેલ શું? બધું જ સરખું છે. તમે નિરાંતે પાછા ફરો.’ ને વળી ઇચ્છા વ્યક્ત કરતાં કહ્યું, ‘મંત્રીજીને કહેજો કે કાલ પ્રભાતે મહારાજા શાન્તનુ મહારાણી ગંગાદેવી સાથે પધારે છે. તેમનું સામૈયું કરવાની બધી જ ગોઠવણ કરે.’

સાથીઓ સૌ વિસ્મય પામ્યા. સૌની નજર મહારાજાની પડખે બેઠેલી ગંગા પ્રતિ હતી. સૌના મનના ભાવો ભિન્ન ભિન્ન હશે. પણ સૌ નિશ્ચિતપણે સ્વીકારતાં હતાં કે અભૂતપૂર્વ મોહક, સૌંદર્યથી મઢેલી યૌવના પર મહારાજ શાન્તનુ મોહી પડ્યા છે. પણ સાથે તેમના મનમાં પ્રશ્ન પણ ઊઠતો હતો, ‘આવું આહ્‌લાદક સૌંદર્ય