લખાણ પર જાઓ

પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પિતામહ ✽ ૯
 

આવવા તૈયાર હશો.’ મહારાજા શાન્તનુનો પરિચય પામતાં ગંગાની ઉત્તેજના પણ જાગતી હતી, પણ તે અધિર ન હતી. તેની ઉત્તેજના અવ્યક્ત જ રહેતી. ગંભીરતા ધારણ કરી મહારાજ શાન્તનુના દિલમાં રમતાં ભાવોનું નિરીક્ષણ કરતી બેઠી હતી.’

‘કહો, કહો !’ વ્યથાપૂર્ણ સ્વરે શાન્તનુ પૂછી રહ્યો, ‘તમને મહારાણી બનવું ગમતું નથી ?’

‘મહારાણી !’ સાશ્ચર્ય ગંગા પૂછી રહી.

‘હા, હસ્તિનાપુરના મહારાણી—’

‘પણ લોકો શું કહેશે ? વગડાના પંખીને રાજમહેલના પિંજરમાં પૂરી દીધા પછી તેની શી દશા થશે ?’

‘શંકા ન કરો, ગંગાદેવી. હું તમને હૈયાસરસી રાખીશ. રાજ્યમાં તમારું માનપાન મહારાજ શાન્તનુ જેટલું જ રહેશે, ચિંંતા ન કરો.’ ને પોતાનો હાથ લંબાવી ગંગાના હાથમાં મૂકતાં બોલ્યો, ‘આ મારું વચન છે.’

‘ભલે. તમારા વચન પર મને ઈતબાર બેસે છે, પણ—’

‘પણ શું…? હવે ચાલો મારી સાથે—’

‘ના, એમ નહિ. મને પણ થોડો સમય વિચારવા દેશોને ?’

‘જરૂર. પણ કેટલો સમય ?’

‘આજની રાત્રી. કાલ સવારે મારો નિર્ણય જણાવીશ.’

‘આજની રાત્રી ?’ શાન્તનુ પણ ગંગાદેવીની સૌંદર્યજાળમાં એટલો બધો ખૂંપી ગયો હતો કે તેને માપવા માટે નિર્જન ભયાવહ વગડામાં રાત્રી ગાળવા પણ તે તૈયાર હતો.

‘હા, રાત્રી દરમ્યાન હુ વિચાર કરી લઉં.’ ગંગા બોલી.

‘ભલે એમ કરો.’ શાન્તનુએ ગંગાની દરખાસ્તને મંજૂરી દેતાં કહ્યું, ‘તો કાલ સવારે આ વૃક્ષ હેઠળ હું તમારા આગમનની પ્રતિક્ષા કરતો બેઠો હોઈશ.’

શાન્તનુના આ નિર્ણયથી ગંગાનું આશ્ચર્ય ખૂબ વધી ગયું.