લખાણ પર જાઓ

પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૨૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.





૧૮
 


અર્જુન સામે યુદ્ધ કરતાં કરતાં પિતામહ અર્જુનના બાણોથી વીંધાયા. લોહી નીગળતા દેહે રથમાંથી જમીન પર ઢળી પડ્યાના સમાચાર વાયુવેગે બન્ને સૈન્યમાં પ્રસરી જતાં ભારે સન્નાટો મચી ગયો. દુર્યોધન તો હતાશ થઈ ગયો. છેલ્લા બે દિવસથી પિતામહ જે રીતે પાંડવસૈન્યનો ખાત્મો બોલાવતા હતા, તે જોઈ તેના દિલમાં શ્રદ્ધા જાગી હતી. પિતામહના હાથે અર્જુનનો વધ થવાની આશા રાખતાં દુર્યોધનના દિલ પર જબ્બર ઘા થયો. પિતામહ જ્યાં ઢળી પડ્યા હતા ત્યાં એકદમ દોડી આવ્યો.

આખા શરીરે અર્જુનના બાણથી ઘવાયેલા પિતામહનો દેહ લોહીથી ભીનો થયો હતો. તેમના ચહેરા પર વેદના કે ખિન્નતા ન હતી પણ સંતોષની આભા પથરાઈ હતી.

‘દુર્યોધન !’ ધીમા શ્વાસે પિતામહે દુર્યોધન પ્રતિ નજર માંડતાં કહ્યુ, ‘તારું ઋણ મેં ચૂકવી દીધું. તેના સંતોષ સાથે હું વિદાય થઈશ.’ ને પછી બોલ્યા, હજી પણ મારી સલાહ છે કે તમે અહીંથી અટકી જાવ. પાંડવોને તેમનું રાજ્ય પાછું આપીને શાંતિથી તમે બધા ભાઈઓ જીવન પૂરું કરો.’ ને જાણે દુર્યોધન તેમની સલાહ કદી માનવાનો જ નથી તેની તેમને ખાતરી હોય તેમ અફસોસ કરતાં કહી રહ્યા, ‘કુરુવંશને જીવંત રાખવા મેં ઘણા પ્રયત્નો કર્યા. મા સત્યવતીની જ ઇચ્છાનું મેં પાલન ન કર્યું. કૌરવો-પાંડવો કુરુવંશના રખેવાળ બની રહેશે તેવી આશામાં હું