રહેલાં લોહીને બંધ કરવા ને ઘા રૂઝવવા માટેની તાત્કાલિક સારવાર કરવા વૈદને લઈ આવ્યો. પિતામહને કોઈ સારવારની જરૂર નહોતી. તેમણે કહ્યું, ‘દુર્યોધન, હવે મારે કોઈ સારવારની જરૂર નથી. આ બાણના જખ્મોથી મૃત્યુને શરણે થવું એ જ હવે મારું કર્તવ્ય છે. તમે વૈદને પાછા મોકલો.’
હવે પિતામહનો નિર્ધાર જાણ્યા પછી બધા ત્યાંથી ધીમે ધીમે વિખરાવા લાગ્યા. બાણશૈય્યાની ચારે બાજુ ખાઈ ખોદાવીને તેના રક્ષણ માટે પહેરેગીરની ગોઠવણ કરી. તેમની પ્રદક્ષિણા કરી તેમને વંદન કરી સૌ વિખરાયા.
બીજા દિવસે યુદ્ધનો શંખનાદ થાય તે પહેલાં પાંડવો ને કૌરવો બાણશૈય્યા પર પોઢેલા પિતામહના દર્શને આવ્યા ત્યારે સંખ્યાબંધ કુમારિકાઓ તેમનું પૂજન કરતી હતી. તેમના પર પુષ્પવૃષ્ટિ થતી હતી. થોડી ક્ષણોમાં તપસ્વીઓ, ઋષિ મુનિઓ પણ તેમનાં દર્શને ઊમટ્યા હતા. પિતામહ શાંત આંખો બંધ કરીને પોઢ્યા હતા. હજી પણ તેમના દેહમાંથી લોહી ટપકતું હતું. ને ધરતી લોહીભીની બની રહી હતી.
ત્યાં પિતામહે નયનો ઉઘાડ્યા. યુધિષ્ઠિર ને દુર્યોધન સામે તેમણે નજર નાંખી. પછી હળવેથી બોલ્યા, ‘ખૂબ તૃષા લાગી છે, ગળું સુકાઈ જાય છે, જળપાન કરાવશો ?’
પિતામહની તૃષા વિષે જાણતાં કૌરવો તેમના માટે વિવિધ પ્રકારના ભોજન સાથે હાજર થયા. પિતામહે ભોજન પ્રતિ નજર કર્યા વિના જ બૂમ પાડી, ‘અરે, અર્જુન ક્યાં છે?’
અર્જુન તરત જ પિતામહ સમક્ષ બે હાથ જોડી દીનભાવે ઊભો. પિતામહે તેના પ્રતિ ભાવભરી નજર નાંખતા કહ્યું, ‘અર્જુન, તેં મારા આ દેહને બાણથી વીંધીને ચાળણી જેવો બનાવી દીધો છે. રક્તભીનો બની રહ્યો છે. તેની અસહ્ય વેદના પણ હું મૂંગા મૂંગા બરદાસ કરું છું તૃષાની તીવ્રતાથી મારું ગળું સુકાય છે. મને પાણી દે. મારો કંઠ સુકાય છે.’