તેના નિર્ણયમાં મક્કમ હતી ને પોતે પણ વચનબદ્ધ હતો. લાચારીથી તે પાછો ફર્યો હતો, ને ગંગાએ તેના સંતાનને જળસમાધિ કરાવી હતી. માત્ર એક જ નહિ, સાત સાત સંતાનને તેણે જળસમાધિ કરાવી હતી. પોતે તે જાણતો હતો. દરેક પ્રસંગે મહેલનો દાસીગણ મહારાજા પાસે આવી મહારાણીને અટકાવવા પ્રાર્થના પણ કરતો હતો પણ અસહાય મહારાજ શું કરે ?
ગમગીન વદને પોતાના કક્ષમાં ડગ દેતાં શાન્તનુનું મન બળવો પોકારતું હતું.
‘શા માટે પોતે આ ખૂની વ્યવહાર ચલાવી લે ? વચન દીધું છે, પણ આ ખૂની વ્યવહાર અવિરત, અખંડપણે ચાલ્યા જ કરે તે હસ્તિનાપુરના મહારાજને માટે લજજાસ્પદ નથી ? બીજાનાં મનમાં તેના વિષે કેવા ભાવ જાગતા હશે?’
જેમ જેમ શાન્તનુના મનમાં વિચારોની ઉગ્રતા વધતી ગઈ, તેમ તેમ તે કોઈ નિર્ણય પર આવવા મથામણ પણ કરતો હતો.
‘કુરુવંશનું પણ તારે નામોનિશાન મિટાવી દેવું છે શું?’ સામેની દીવાલમાંથી કોઈ તેને પૂછતું હતું. ‘તું છેલ્લો જ હશે. તારું રાજપાટ બીજાઓનાં હસ્તક જશે, તારી જિંદગીનાં પરાક્રમો પણ સાફ થયાં હશે, તને એ ગમશે ખરું ?’
‘બોલ, બોલ, તને આ ગમશે ?’ પ્રશ્નમાં જુસ્સો હતો. એક સ્ત્રીના સૌંદર્ય પાછળ શાન્તનુએ તેના વંશનું નિકંદન જવા દીધું એમ ઇતિહાસકાર નોંધશે એ તને ગમશે ?’
‘કહે, કહે, શો નિર્ણય છે તારો ?’ પ્રશ્ન વધુ ઉગ્ર સ્વરે પૂછાતો હતો ને શાન્તનુ શૂન્યચિત્ત બે હાથ વચ્ચે માથું દબાવી બેઠો હતો. તેના અંતરના ઊંડાણમાંથી જવાબ મળતો હતો, ‘પ્રશ્નો વાત્સવિક છે, તારે તેનો જવાબ દેવો જોઈએ.’
તેની નજર સમક્ષ દૃશ્ય ખડું થતું. ગંગાદેવી તેના હાથમાંના બાળકને નદીમાં જળસમાધિ કરાવવા તૈયારી કરતી હતી, વસ્રોનો