લખાણ પર જાઓ

પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પિતામહ ✽ ૧૯
 

કછોટો મારી બાળકને ઉઠાવીને પાણીના મધ્યભાગમાં જવા તત્પર હતી.

‘ઓહ !’ અચાનક જ તેણે નિસાસો નાખ્યો. તેની પોતાની જ અસહાયતા તેને ખટકવા લાગી. તેણે આ ભયંકર દૃશ્ય સામે બે હાથે આંખો બંધ કરી ને સ્વગત બબડ્યો, ‘ના, ના, મારો જ વારસ આમ વગર મોતે જળસમાધિ લે તે હું સહન કરી શકુ નહીં.’

‘બરાબર, પણ તું કેટલો નિર્બળ છો? આવા, સાત સાત તારા સંતાનોને ગંગાએ આમ જ જળસમાધિ કરાવી છતાં તું મૂંગો રહ્યો, નિર્બળની જેમ માત્ર જોતો જ રહ્યો.’ પ્રશ્નકારની વ્યથા જાણે ઉગ્ર બની હોય એમ બોલ્યો, ‘રણમેદાનમાં મોટામોટા વિજયો મેળવનાર શાન્તનુ એક નારીના હાથે પરાજીત થતો હતો.’

‘બસ કરો, હવે અટકી જાવ.’ જુસ્સાભેર ઊભા થતાં શાન્તનુ બોલ્યો.

‘કોણ અટકી જાય, રાજન્? તમે તો અટકી જ ગયા છો ને ?’ ગંગા તો અટકવાની નથી જ. તમે જાતે તેને અટકાવી પણ રાકવાના નથી. તેના ભીતરમાંથી તેને કોઈ ઢંઢોળતું હતું. તેની મર્દાનીને પડકારતું હતું.

તેણે વિહ્‌વળ દૃષ્ટિએ કક્ષમાં ચોપાસ નજર નાખી. તેને આવી તાતી ધારદાર વાણીમાં કોણ ઢંઢોળતું હતું તે જોવાનો પ્રયત્ન કર્યો, પણ ત્યાં કોઈ ન હતું. જાણે તેનો પડછાયો જ તેને ઢંઢોળતો હતો.

તેણે આખરી નિર્ણય કર્યો, ‘ના, હવે મારા સંતાનને મહારાણી જળસમાધિ નહિ કરાવી શકે. હું જાતે જ તેને અટકાવીશ.’

પણ જ્યારે તે સ્વસ્થ થયો ત્યારે તેનો નિર્ણય જાણે અદશ્ય થતો હતો. શાન્તનુ પોતે જ પોતાના નિર્ણય વિરુદ્ધ દલીલો કરતો હતો.

ગંગાદેવીનું યૌવન મઢ્યું શરીર તેની નજર સમક્ષ ઊપસી રહ્યું. ઘણાં ઘણાં પ્રયત્નો પછી ગંગાદેવી તેના જીવનની સહભાગી