થઈ હતી. તેના સહવાસે તેના જીવનમાં પ્રફુલ્લતા પાંગરી રહી હતી, તેને નારાજ કેમ કરાય? પોતે તેના માર્ગમાં અવરોધક બનશે તો તે વિદાય થશે, પછી જીવનમાં કેવળ શુષ્કતા સિવાય બીજું શું હશે? જેમ જેમ શાન્તનુ વિચારવમળમાં ગોથાં ખાવા લાગ્યો તેમ તેમ ગંગાદેવી પ્રત્યેનો તેના અનુરાગ વધુ જોરદાર બન્યો. તેણે થોડીક ક્ષણૉ પહેલાં લીધેલેા નિર્ણય છોડી દીધો. ના, ના, ગંગાદેવીને ગુમાવવાની મારી ઇચ્છા નથી. સંતાન પ્રત્યેનો માતૃપ્રેમ ક્યારેક તો તેના દિલમાં જાગશે જ ને ? ત્યારે તે પોતે પણ પોતાના કૃત્ય બદલ પસ્તાવાની આગમાં સળગતી થશે.
ભલે એના હૈયામાં પડેલાં માતૃત્વને જાગ્રત થવા દો. શાન્તનુ શૈય્યામાં પડ્યો. મનને વિચારોના વમળમાંથી મુક્ત કરી, શાન્તનુ નિદ્રા માણવા પ્રયત્ન કરતો હતો, પણ ત્યાં મંત્રીજીની આકૃતિ તેની સમક્ષ ખડી થઈ. રોજનો ચહેરો આજે બદલાઈ ગયો હતો. શાન્તનુના બદલાયેલાં વલણથી જાણે રોષે ભરાયેલા હોય એમ મંત્રી શાન્તનુને તેનો નિર્ણય જણાવતો હતો.
‘બેઅદબી માફ કરો, મહારાજ ! પણ આજે મહારાણી રાજકુમારને જળસમાધિ કરાવવા જઈ શકશે નહિ. તેમના કક્ષની ચોપાસ મેં પાકો બદોબસ્ત કર્યો છે.’ ને પછી ઉમેર્યું, ‘આપને જણાવવાની મારી ફરજ અદા કરવા આવ્યો છું, મહારાજા.’
મંત્રીનો નિર્ણય જાણતાં શાન્તનુ એકદમ બેઠો થઈ ગયો, ને મંત્રી સામે ક્રોધભરી દૃષ્ટિ નાખતાં પૂછી રહ્યો,‘આ વ્યવસ્થા કરવાની તમને કોણે સૂચના કરી, મંત્રીજી?’
‘સૂચના !’ મંત્રી વિનમ્રતાથી જવાબ દેતો હતો, ‘રાજ્ય અને કુરુવંશના હિત ખાતર આ નિર્ણય મારે જાતે જ લેવો પડ્યો, રાજન્!’ ને પછી બોલ્યો, ‘મને ક્ષમા કરો, પણ સાતસાત રાજકુમારોની હત્યાની હકીકતથી રાજ્યની જનતા પણ હવે થાકી ગઈ છે.આપના શૌર્ય ને પ્રતાપને પણ ઝાંખપ લાગી છે. લોકો ગમેતેવી વાતો