લખાણ પર જાઓ

પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૨૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૪ ✽ પિતામહ
 

આશિષ વચનો સાથે પાછા ફર્યા. યુધિષ્ઠિરના મનનો વિષાદભાવ શાંત થયો હતો. ક્ષાત્રતેજથી તેમનો ચહેરો દેદીપ્યમાન લાગતો હતો.

બીજા દિવસે સૂર્ય ઉત્તરાયણના થયા. પિતામહના નિર્ધાર પ્રમાણે હવે તેઓ દેહત્યાગ કરવા માટેની માનસિક તૈયારી કરતા હતા ત્યાં ધૃતરાષ્ટ્ર, કુંતી, ગાંધારી, યુધિષ્ઠિર, બ્રહ્મર્ષિઓ, રાજાઓ, પિતામહની બાણશૈય્યા આગળ જમા થયાં.

હળવે હળવે પિતામહ પ્રાણત્યાગની ક્રિયા કરતા હતા, પણ ધૃતરાષ્ટ્રને જોતાં તેમણે ક્રિયા થંભાવી અને ધૃતરાષ્ટ્રને ઉદ્દેશીને કહી રહ્યા, ‘હે ધૃતરાષ્ટ્ર, તું સર્વ ધર્મોનો જાણકાર છે. જે કાંઈ થઈ ગયું તેનો શોક હવે કરવો નકામો છે. આ પાંડવોનું તું સ્થિર બુદ્ધિ રાખીને રક્ષણ કરજે.’

પિતામહ હવે છેલ્લા શ્વાસ લઈ રહ્યા હતા. તેમના દેહમાંથી પ્રાણ હવે વિદાય લઈ રહ્યો હતો. તેમની ગતિ પણ શાંત પડતી હતી. ત્યારે તેમણે શ્રીકૃષ્ણ પ્રતિ બે હાથ જોડી વંદન કરતાં કહ્યું, ‘આપને મારા છેલ્લા નમસ્કાર ! હવે હું મારા આ દેહનો ત્યાગ કરું છું. મને આજ્ઞા આપો.’

પોતાની આસપાસ જમા થયેલા સૌને છેલ્લા નમસ્કાર કરતાં તેમણે કહ્યું, ‘હવે હું પ્રાણનો ત્યાગ કરું છું. તમે સૌ સત્યને જ વળગી રહેજો.’ પિતામહે તેમના પિતા રાજા શાન્તનુએ જે વરદાન દીધું હતું. તે પ્રમાણે તેમની ઇચ્છા પ્રમાણે જ તેમણે પ્રાણત્યાગ કર્યો.

● ● ●