દીકરીને લગ્ન કરવાં પડે. દીકરા-દીકરીને સ્વેચ્છાએ કોઈ વ્યવહાર કરવાની છૂટ નથી.’ મત્સ્યગંધા પોતાના સમાજની રીત સમજાવતી હતી ને પછી ઉમેર્યુંં, ‘એટલે બાપની મંજૂરી જરૂરી છે.’
મત્સ્યગંધાની વાત શાન્તનુને વિચિત્ર જણાઈ. ગંગાએ તો આવી કોઈ દલીલ કરી જ ન હતી. તેણે તો તરત જ મારા પ્રેમનો સ્વીકાર કર્યો હતો. હા, થોડીક શરતો જરૂર મૂકી હતી, એટલે તેને મત્સ્યગંધાની દલીલ સમજાતી ન હતી. પણ હવે જ્યારે મત્સ્યગંધા પોતે તો સમર્પણ થવા તૈયાર છે, પણ તેના બાપની મંજૂરીનું મહત્ત્વ જો તેને હોય તો એ મંજૂરી મેળવવામાં વિલંબ પણ કરવાની જરૂર શી છે? તેને વિશ્વાસ હતો કે મત્સ્યગંધાનો બાપ, માછીમારની દીકરીને હસ્તિનાપુરના મહારાજા શાન્તનુ પોતાની રાણી બનાવવા પસંદ કરે તે જાણીને હર્ષઘેલો બની જશે ને તરત જ અનુમતિ પણ દઈ દેશે.
વિશ્વાસની તાકાતે શાન્તનુ ઘોડા પર બેઠો. તેણે મત્સ્યગંધાને પણ પોતાની સાથે ઘોડા પર લેવા પ્રયત્ન કર્યો, પણ મત્સ્યગંધા તૈયાર ન હતી.
‘મોડા પડશો !’ શાન્તનુ સમજાવતો હતો.
‘ભલે મોડું થાય, મારે કોઈ ઉતાવળ નથી.’ મત્સ્યગંધાએ જવાબ દીધો ને કહ્યું, ‘તમે ઊપડો. તમને ઉતાવળ પણ છે, ને મહારાજા પગે ચાલે એ ઠીક પણ નહિ ગણાય.’
સ્મિત વેરતી મત્સ્યગંધાએ તેનો માર્ગ પકડ્યો, શાન્તનુ ઘોડાપર ગોઠવાઈને માછીમારના ઝૂંપડા તરફ ઘોડાને દોડાવ્યો. ઘોડાની ઝડપ વધી પડી. શિકાર તેની નજરમાંથી દૂર થાય નહિ, એ માટે શિકારની પાછળ દોડવાની ઘોડાની તાકાત જબરી હતી. કદાચ ઘોડો પણ શાન્તનુની ઉતાવળને સમજતો હશે એટલે તેણે પૂર ઝડપે માર્ગ કાપવા માંડ્યો ને જોતજોતામાં શાન્તનુ મત્સ્યગંધાના પિતા સમક્ષ ઊભો.
માછીમારને પણ આશ્ચર્ય થયું. હસ્તિનાપુરના મહારાજા