૫
દિવસો થયા શાન્તનુ બિછાનાવશ હતો. તેના વદન પર ઉદાસીનતા છવાઈ ગઈ હતી. ભાગ્યે જ વાત પણ કરતો, શૂન્યમન્સક તે પડી રહેતો હતો. શિકારેથી પાછા ફર્યાં પછી તેની આ હાલત જોતાં મંત્રીના મનમાં શંકાનાં વમળો ઊઠવા લાગ્યાં. તેના દેહપર તો કોઈ વનપશુના આક્રમણના કોઈ ચિહ્નો જોવા મળતાં ન હતા. રાજવૈદ પણ શાન્તનુની હાલત વિષે કોઈ નિર્ણય પર આવી શકતા ન હતા, એટલે મંત્રીને શક હતો. કોઈ ભયંકર વનપશુનો શિકાર કરવાનો મહારાજાએ પ્રયત્ન કર્યો હોય અને વનપશુ મહારાજના બાણથી ઘવાયો ન હોય. તે પણ રોષે ભરાયો હોય ને પોતાને મૃત્યુ દેવા આવેલા મહારાજ સામે આક્રમણ કરવા ધસી ગયો હોય. મહારાજા પણ પોતાની જિંદગી માટે ભય જોતાં ધ્રૂજી ઊઠ્યા હોય. ગમેતેમ કરીને જીવ બચાવી નાઠા હોય ને તેના ભયની મહારાજાના મન પર વિપરિત અસર થવા પામી હોય તો ?
પણ મહારાજની શિકાર વિષેની નિપૂણતાથી મંત્રી અજ્ઞાત ન હતો, એટલે બીજી ક્ષણે આ કલ્પનાને તે જાતે જ હસી કાઢતો. ના, મહારાજ એમ કાંઈ ભય પામે નહિ. શિકાર તો તેમને માટે સાવ આસાન બાબત છે. ના, ના, મહારાજા ભયથી પિડાતા નથી. તે પણ નિશ્ચયપૂર્વક કહેતો.
તો મહારાજા શાન્તનુ આમ શૂન્યમનસ્ક, ચેતનવિહીન કેમ બની ગયા છે? આ પ્રશ્ન સૌને ચિંતા કરાવતો હતો.